રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં કોમેડી રીલ બનાવતા ન્યૂરોસર્જન પર વિવાદ, સોશિયલ મીડિયા પર ઉઠ્યા ગંભીર સવાલો Jan 29, 2026 રાજકોટની જાણીતી વોકહાર્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા ન્યૂરોસર્જન ડૉ. જિગરસિંહ જાડેજા દ્વારા ઓપરેશન થિયેટરમાં બનાવવામાં આવેલી કોમેડી રીલ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. દર્દીની સારવાર ચાલી રહી હોય તે દરમિયાન ઓપરેશન થિયેટર જેવા અતિ સંવેદનશીલ અને પવિત્ર સ્થળે રીલ બનાવવામાં આવતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે. વિવાદ વધતા ડૉક્ટરે આ રીલ ઈન્સ્ટાગ્રામ પરથી ડિલિટ કરી નાખી હોવાનું સામે આવ્યું છે, જ્યારે સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રએ મૌન ધારણ કર્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉ. જિગરસિંહ જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કોમેડી રીલ અપલોડ કરી હતી, જે ઓપરેશન થિયેટરમાં શૂટ કરવામાં આવી હોવાનું જણાતું હતું. આ રીલમાં ડૉક્ટર હાસ્યાત્મક સંવાદ બોલતા નજરે પડે છે અને પાછળ ઓપરેશન થિયેટરનું માહોલ જોવા મળે છે. રીલ વાયરલ થતાં જ સોશિયલ મીડિયામાં તેની ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. અનેક યુઝર્સે આ ઘટનાને અયોગ્ય, બિનનૈતિક અને વ્યાવસાયિક જવાબદારી વિરુદ્ધ ગણાવી હતી. દર્દીની સારવાર દરમિયાન રીલ બનાવવાનો આક્ષેપવિવાદનું મુખ્ય કારણ એ છે કે રીલ દર્દીની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક તરફ દર્દી બેભાન અવસ્થામાં હોય અને તેની જિંદગી ડૉક્ટરની કુશળતા પર નિર્ભર હોય, ત્યારે એ જ સમયે ડૉક્ટર દ્વારા કોમેડી કન્ટેન્ટ બનાવવું કેટલું યોગ્ય છે તે મુદ્દે જનતામાં સવાલો ઊભા થયા છે. લોકો પૂછવા લાગ્યા છે કે શું હવે ઓપરેશન થિયેટર પણ સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવા માટેનું સ્થળ બની રહ્યું છે? કોંગ્રેસે ઉઠાવ્યો મુદ્દો, જાહેર કર્યો વીડિયોઆ મામલે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે ડૉ. જિગરસિંહ જાડેજાની આ રીલ જાહેર કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે રીલમાં ડૉક્ટર એવું કહેતા સાંભળાય છે કે “ઝીરો સિવિક સેન્સ… કોઈ ઓપરેશન થિયેટરમાં રીલ બનાવી રહ્યો છે અને પાછળથી આવીને ઓપરેશન શરૂ કરી દે છે.” કોંગ્રેસ પ્રવક્તાએ આને અત્યંત ચિંતાજનક ગણાવીને કહ્યું કે, એક તરફ દર્દી ગંભીર હાલતમાં છે અને બીજી તરફ ડૉક્ટર હાસ્ય અને મજાકમાં વ્યસ્ત છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. સોશિયલ મીડિયામાં જનરોષ રીલ વાયરલ થતાં જ લોકો સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ રોષ વ્યક્ત કરી રહ્યા છે. અનેક લોકોએ લખ્યું છે કે લાઇક્સ અને વ્યૂઝની દોડમાં માનવતા, નૈતિકતા અને વ્યાવસાયિક જવાબદારીને નેવે મૂકી દેવામાં આવી રહી છે. ઘણા લોકોએ આરોગ્ય વિભાગ અને મેડિકલ કાઉન્સિલ પાસે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. કેટલાક યુઝર્સે તો આ ઘટનાને “મેડિકલ એથિક્સનું ઘોર ઉલ્લંઘન” ગણાવ્યું છે. હોસ્પિટલ તંત્રનું મૌનઆ સમગ્ર વિવાદમાં વોકહાર્ટ હોસ્પિટલના તંત્રનું મૌન પણ ચર્ચાનો વિષય બન્યું છે. દિવ્ય ભાસ્કરે હોસ્પિટલનો પક્ષ જાણવા માટે PROનો સંપર્ક કર્યો હતો, પરંતુ PROએ સ્પષ્ટ કહ્યું હતું કે હોસ્પિટલ મેનેજમેન્ટ આ મામલે કંઈપણ કહેવા માગતું નથી. હોસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન ન આવતાં અનેક પ્રશ્નો અનઉકેલ રહ્યા છે. આરોગ્ય અધિકારીની પ્રતિક્રિયાઆ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલની પ્રિમાઇસીસમાં ડૉક્ટર રીલ બનાવી શકે છે, પરંતુ એક તબીબ તરીકે ઓપરેશન થિયેટરમાં રીલ બનાવવી યોગ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે વીડિયોમાં દર્દીની ઓળખ જાહેર થતી નથી અને એનેસ્થેટિસ્ટ દ્વારા એનેસ્થેસિયાનો ડોઝ આપવામાં આવ્યો હોવાનું જણાય છે, છતાં પણ તબીબી નૈતિકતા મુજબ ઓપરેશન થિયેટરમાં આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ. નૈતિકતા સામે સોશિયલ મીડિયાઆ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે સોશિયલ મીડિયાની વધતી અસર વચ્ચે તબીબી વ્યવસાયની નૈતિક સીમાઓ ક્યાં સુધી જાળવાઈ રહી છે? દર્દીની જિંદગી બચાવવાનું સ્થળ ગણાતું ઓપરેશન થિયેટર શું હવે મનોરંજન અને કન્ટેન્ટ સર્જનનું માધ્યમ બની રહ્યું છે? આ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય તપાસ અને માર્ગદર્શિકા જરૂરી બની છે. Previous Post Next Post