કરવેરા વગરનું ઐતિહાસિક બજેટ: રૂ. 4.08 લાખ કરોડથી ગુજરાત વિકાસને નવી દિશા Feb 18, 2026 ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27 માટે રૂ. 4,08,053 કરોડનું રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ રૂ. 37,803 કરોડનો વધારો દર્શાવતું આ બજેટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે “ફિલગુડ” સંદેશ આપતું બજેટ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેમાં કોઈ નવો કરવેરો લાદવામાં આવ્યો નથી. વિકાસ સાથે રમતગમતને પ્રાથમિકતાઆ બજેટમાં પ્રથમ વખત રમતગમત ક્ષેત્ર માટે રૂ. 1278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદને 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક માટે “ઓલિમ્પિક રેડી સિટી” બનાવવા દિશામાં આયોજન શરૂ કરાયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્ટેડિયમ અને આધુનિક જાહેર પરિવહન વ્યવસ્થા વિકસાવવામાં આવશે. અમદાવાદ-ગાંધીનગર વિસ્તારમાં ઓલિમ્પિક સિટી માટે જમીન અધિગ્રહણ પ્રક્રિયા પણ આગળ વધી રહી છે. નમો સેન્ટ્રલ લાઈબ્રેરી અને નોલેજ સ્ટેટ દિશામાં પગલુંરાજ્યને નોલેજ હબ બનાવવા માટે ગાંધીનગર ખાતે રૂ. 100 કરોડના ખર્ચે દેશની સૌથી મોટી ‘નમો સેન્ટ્રલ લાઈબ્રેરી’ સ્થાપિત થશે. ડિજિટલ અને ફિઝિકલ બંને સુવિધાઓ ધરાવતી આ લાઈબ્રેરી વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે કેન્દ્રબિંદુ બનશે. કૃષિ, ગ્રામ વિકાસ અને આવાસખેડૂતોને સહાય માટે રૂ. 11,000 કરોડના કૃષિ રાહત પેકેજને આગળ વધારવામાં આવ્યું છે. અદ્યતન મશીનરી ખરીદી માટે રૂ. 1565 કરોડ અને ગૌમાતા પોષણ યોજના માટે રૂ. 500 કરોડ ફાળવાયા છે. મનરેગાના સ્થાને નવી જી રામ જી યોજના માટે રૂ. 1500 કરોડની જોગવાઈ છે.આવાસ ક્ષેત્રે 3 લાખથી વધુ સસ્તા આવાસો બનાવવા રૂ. 4272 કરોડ ફાળવાયા છે. ચાલુ વર્ષે 3.15 લાખ નવા મકાનો ઊભા કરવાનો લક્ષ્યાંક છે. ઔદ્યોગિક અને ટેકનોલોજી વિકાસરાજકોટ, સુરત, વડોદરા અને મહેસાણામાં iHubના રીજનલ સેન્ટરો સ્થાપવા રૂ. 80 કરોડ ફાળવાયા છે, જે સ્ટાર્ટઅપ અને નવી ટેકનોલોજી માટે સહાયરૂપ બનશે. MSME ક્ષેત્રના 29 લાખથી વધુ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રૂ. 1775 કરોડ ફાળવાયા છે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને કચ્છને અલગ ગ્રોથ હબ તરીકે વિકસાવવા 80 પ્રોજેક્ટ માટે રૂ. 6600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે રૂ. 800 કરોડ અને તમામ શહેરી વિસ્તારોમાં વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવા રૂ. 500 કરોડ ફાળવાયા છે. સેટેલાઈટ ટાઉન અને ટ્રાન્સપોર્ટ સુવિધાઅમદાવાદ અને સુરતને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરને પણ સેટેલાઈટ શહેરો તરીકે વિકસાવવામાં આવશે. રીજનલ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ (RRTS) દ્વારા શહેરો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી ઉભી થશે. પ્રવાસન વર્ષ 2026સરકારે 2026ને ગુજરાતના પ્રવાસન વર્ષ તરીકે જાહેર કર્યું છે. રમતગમત માટે રૂ. 2006 કરોડ અને પ્રવાસન-યાત્રાધામ-નાગરિક ઉડ્ડયન માટે રૂ. 3090 કરોડ ફાળવાયા છે. ‘નમો શક્તિ સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે’ માટે રૂ. 3000 કરોડ અને અરવલ્લી પર્વતમાળામાં ગ્રીન બેલ્ટ સહેલાણી વિસ્તાર વિકસાવાશે. સામાજિક સુરક્ષા અને આરોગ્યપ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) હેઠળ 2.72 કરોડથી વધુ લોકોને આવરી લેવાયા છે. 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે રૂ. 3472 કરોડ ફાળવાયા છે.સામાજિક ન્યાય માટે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મર્યાદા રૂ. 6 લાખ સુધી વધારવામાં આવી છે. ગૃહ વિભાગ માટે રૂ. 14265 કરોડ ફાળવી પોલીસ તંત્રને ટેકનોલોજીથી સજ્જ બનાવાશે અને દરેક જિલ્લામાં મોડેલ પોલીસ સ્ટેશન ઉભું કરાશે. એન્ટી-ડ્રોન સિસ્ટમ માટે પણ રૂ. 20 કરોડની જોગવાઈ છે. નાણાકીય સ્થિતિઆ બજેટમાં રૂ. 25587 કરોડની મહેસૂલી પુરાંત દર્શાવવામાં આવી છે. રાજ્યની ખાધ 1.97 ટકા અને જાહેર દેવું 14.7 ટકા દર્શાવાયું છે. કુલ ફાળવણીમાં 10.2 ટકાનો વધારો થયો છે, જ્યારે મૂડી ખર્ચમાં 17 ટકા વધારો નોંધાયો છે.આમ, કરવેરા વગરનું આ ઐતિહાસિક બજેટ રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, ટેકનોલોજી અને સામાજિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સંતુલિત વિકાસ તરફનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. Previous Post Next Post