રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી દુબઈ-બેંકોકની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાની આશા, ગૃહ વિભાગને મોકલાયો પત્ર Feb 09, 2026 રાજકોટ શહેરના હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા શરૂ થવાની શક્યતા તેજ બની છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી તથા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર પાઠવી હીરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવાની સત્તાવાર માગ કરવામાં આવી છે. ખાસ કરીને દુબઈ અને બેંકોક જેવા આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન માટે ફ્લાઈટ શરૂ થાય તેવી રજૂઆત કરવામાં આવી છે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તે માટે ચેમ્બર દ્વારા વર્ષોથી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ પ્રયાસોના પરિણામે છેલ્લા બે વર્ષથી હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે કાર્યરત છે. જોકે, હજી સુધી અહીંથી કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ નથી, જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપારીઓ અને મુસાફરો માટે નિરાશાજનક બાબત રહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ હીરાસર એરપોર્ટ પરથી મોટી સંખ્યામાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સંચાલિત થઈ રહી છે અને તેમાં મુસાફરોની ઓક્યુપેન્સી 80 ટકા કરતાં વધુ નોંધાઈ રહી છે. આ આંકડો એ સાબિત કરે છે કે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની માંગ સતત વધી રહી છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે પણ પૂરતો ટ્રાફિક ઉપલબ્ધ છે.આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા માટે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ વિભાગની મંજૂરી અનિવાર્ય હોય છે. આ બાબતે હીરાસર એરપોર્ટને કસ્ટમ્સ ક્લિયરન્સ પહેલેથી જ મળી ચૂક્યું છે. જ્યારે ઇમિગ્રેશન સંબંધિત પ્રક્રિયા માટે FRO (ફોરેનર્સ રિજનલ ઓફિસ) નામની એજન્સી દ્વારા નવ મહિના પહેલા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન કેટલીક તકનિકી સુધારાઓ અને વધારાની સુવિધાઓ અંગે સૂચનો આપવામાં આવ્યા હતા.એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ સૂચનો અનુસાર જરૂરી સુધારા કરવામાં આવ્યા બાદ ત્રણ મહિના પૂર્વે FRO ટીમ દ્વારા ફરીથી રી-વિઝિટ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, આ રી-વિઝિટ બાદ FRO એ કેન્દ્ર સરકાર સમક્ષ પોઝિટિવ રિપોર્ટ રજૂ કર્યો હોવાનું જાણવા મળે છે. જેના કારણે હવે ગૃહ વિભાગની અંતિમ મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે. ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા અનુસાર, કેટલીક એરલાઇન્સ કંપનીઓએ હીરાસર એરપોર્ટ પરથી દુબઈ અને બેંકોક માટે સીધી ફ્લાઈટ શરૂ કરવા તૈયારી પણ દર્શાવી છે. જો ગૃહ વિભાગ તરફથી આ મહિનાના અંત સુધીમાં મંજૂરી મળી જાય, તો ટૂંક સમયમાં રાજકોટમાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની ગર્જના સંભળાઈ શકે છે.આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાથી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ માટે મોટો લાભ થશે. હાલ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે રાજકોટના લોકોને અમદાવાદ અથવા મુંબઈ સુધી જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંને વધે છે. હીરાસરથી સીધી ફ્લાઈટ શરૂ થતાં આ મુશ્કેલી દૂર થશે અને રાજકોટ વૈશ્વિક કનેક્ટિવિટીમાં વધુ મજબૂત બનશે.ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજકોટ શહેરના બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેન ઉડાડીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, હીરાસર એરપોર્ટને ઇન્ટરનેશનલ જાહેર કરાયો હોવા છતાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ નથી. તેમના મતે, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ હોવા છતાં મુસાફરોને હજુ પણ અમદાવાદ કે મુંબઈ પર નિર્ભર રહેવું પડે છે.હાલ સમગ્ર સૌરાષ્ટ્રની નજર કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની મંજૂરી પર ટકેલી છે. જો આ મંજૂરી મળે તો હીરાસર એરપોર્ટ રાજકોટના વિકાસમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે અને શહેરને વૈશ્વિક નકશા પર વધુ મજબૂતીથી સ્થાપિત કરશે. Previous Post Next Post