‘બંધ કરો બંધ કરો, લોહી ચૂસવાનું બંધ કરો’ના નારાઓ સાથે મનપા કચેરીએ સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો

‘બંધ કરો બંધ કરો, લોહી ચૂસવાનું બંધ કરો’ના નારાઓ સાથે મનપા કચેરીએ સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો

રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ આજે પોતાની લાંબા સમયથી લટકેલી પડતર માંગણીઓ અને કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ થતા શોષણ સામે મનપા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ‘બંધ કરો બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો’ અને ‘લોહી ચૂસવાનું બંધ કરો’ જેવા ગગનભેદી નારાઓ સાથે કામદારોએ સમગ્ર મનપા કચેરી સંકુલ ગજવી મૂક્યું હતું. રાજકોટ કામદાર યુનિયનના નેતૃત્વમાં યોજાયેલી આ વિશાળ રેલીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા હતા.

આંદોલન દરમિયાન રાજકોટ કામદાર યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમાં 532 સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા તથા મેડિકલ સર્ટિફિકેટના આધારે અપાતા સ્વૈચ્છિક રાજીનામાની કાર્યવાહી આગામી 90 દિવસમાં પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી. યુનિયને ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાળ સહિત વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

યુનિયનના આગેવાનોએ જણાવ્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલા ભવનમાં જ શ્રમિકોનું શોષણ થતું હોવું અત્યંત દુઃખદ અને શરમજનક બાબત છે. હાલ રાજકોટ મહાનગરપાલિકામાં પાંચ હજારથી વધુ સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યા છે, પરંતુ મોટાભાગના કામદારો કોન્ટ્રાક્ટ તથા મિત્ર મંડળ પદ્ધતિ હેઠળ કામ કરવા મજબૂર છે. આ પદ્ધતિમાં તેમને લઘુત્તમ વેતન, પીએફ, ઈએસઆઈ અને બોનસ જેવા કાયદેસરના લાભો મળતા નથી, જે શ્રમિકોના હિત સામે ગંભીર અન્યાય છે.
 


સફાઈ કામદારોએ પોતાની મુખ્ય માંગણીઓમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે મેડિકલ સર્ટિફિકેટના આધારે અપાતા સ્વૈચ્છિક રાજીનામાની પ્રક્રિયા 90 દિવસમાં પૂર્ણ કરવી, કામદારોને તેમના ઘરની નજીકના વોર્ડમાં હાજરી પૂરવાની વ્યવસ્થા કરવી, તેમજ 532 નવી સફાઈ કામદારોની ભરતીમાં સમાજના ઉમેદવારોને પ્રાથમિકતા આપી પાંચ વર્ષ બાદ કાયમી કરવાની ગેરંટી આપવી જરૂરી છે. આ ઉપરાંત માનદ વેતન પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરી લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવો અને પીએફ તથા બોનસની રકમ સીધી કામદારોના બેંક ખાતામાં જમા કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

આંદોલન દરમિયાન સફાઈ કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા પર કરોડો રૂપિયાના કૌભાંડના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. યુનિયને દાવો કર્યો હતો કે કોન્ટ્રાક્ટ પ્રથા અને મિત્ર મંડળના નામે મજૂરોનું શોષણ થઈ રહ્યું છે અને તેમાં મોટા પાયે આર્થિક ગેરરીતિઓ થઈ છે. કામદારોએ માંગ કરી હતી કે મિત્ર મંડળના લીડરોને 20થી વધુ કામદારોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે જેથી કામદારોને કાયદેસરના લાભો મળી શકે. સાથે જ જી.ડી. અજમેરા સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની અને નિષ્પક્ષ તપાસ કરાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી.

રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી યુનિયન શિસ્તબદ્ધ રીતે આંદોલન કરી રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. તારીખ 7 માર્ચ 2024ના રોજ મંજૂર થયેલી 532 સફાઈ કામદારોની ભરતીને બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે ઉમેર્યું હતું કે ભરતીમાં માતા-પિતા અથવા દાદા-દાદી વારસદાર હોવાનો નિયમ અન્યાયી છે અને તેને હટાવી તમામ લોકોને ફોર્મ ભરવાની તક આપવી જોઈએ.

કામદારોની અન્ય માંગણીઓમાં ચાર કલાકના પાર્ટ ટાઈમને બદલે આઠ કલાક ફૂલ ટાઈમ કામ, મહિનામાં ચાર રજાઓ, તેમજ તમામ સફાઈ સૈનિકોને નિઃશુલ્ક સિટી બસ પાસ આપવાની માગ પણ સામેલ છે. યુનિયને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આ તમામ વ્યાજબી માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો થનારી કોઈ પણ પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી મનપા તંત્રની રહેશે.

આ રેલી બાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત આપવામાં આવી હતી. હવે તંત્ર દ્વારા આ મુદ્દે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું છે, જ્યારે શહેરભરના સફાઈ કામદારોની નજર આ નિર્ણય પર મંડાયેલી છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો