૨૧ સપ્ટેમ્બરથી ભારત-ચીન સીધી હવાઈ સેવાઓ 6 વર્ષ બાદ ફરી ધમધમશે

૨૧ સપ્ટેમ્બરથી ભારત-ચીન સીધી હવાઈ સેવાઓ 6 વર્ષ બાદ ફરી ધમધમશે

નવી દિલ્હી, 

દક્ષિણ એશિયામાં દર અઠવાડિયે ૧૦૦થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવા એરલાઇન્સની વિશેષ યોજના

અગ્રણી આંતરરાષ્ટ્રીય વિમાન કંપની ‘ચાઇના સધર્ન એરલાઇન્સ’ દ્વારા આગામી ૨૧ સપ્ટેમ્બરથી ગુઆંગઝુ અને નવી દિલ્હી વચ્ચે નિયમિત પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી લગભગ છ વર્ષના લાંબા અંતરાલ બાદ બંને દેશો વચ્ચે હવાઈ સંપર્ક વધુ મજબૂત બનશે.

કોવિડ-૧૯ મહામારી તેમજ ત્યારબાદ સરહદીય તણાવને કારણે ભારત અને ચીન વચ્ચેની સીધી વિમાન સેવાઓ લાંબા સમયથી સ્થગિત કરવામાં આવી હતી. પરિણામે બંને દેશોના મુસાફરો અને વેપારી વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે પરિસ્થિતિ સામાન્ય થતાં અને બંને દેશોના શીર્ષ નેતૃત્વ વચ્ચેના સંવાદો પછી હવાઈ માર્ગો પુનઃ ખૂલી રહ્યા છે. આ કડીરૂપે ચાઇના સધર્ન એરલાઇન્સે ૨૧ સપ્ટેમ્બરથી ગુઆંગઝુ-નવી દિલ્હી રૂટ પર પોતાની વિમાન સેવાઓ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ રૂટ પર સેવાઓ બહાલીની સાથે જ કંપની દક્ષિણ એશિયાના આઠ રાઉન્ડ-ટ્રીપ રૂટ પર દર અઠવાડિયે ૧૦૦થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ચીનના આર્થિક અને વેપારી કેન્દ્ર ગણાતા ગુઆંગઝુ શહેરથી દિલ્હી સુધીની આ સીધી વિમાન સેવા શરૂ થવાથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો, પ્રવાસન તેમજ ઉદ્યોગ જગતને વેગ મળશે. વેપારી વર્ગ અને પ્રવાસીઓમાં આ જાહેરાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે સીધી ફ્લાઇટ શરૂ થવાથી મુસાફરીનો સમય અને ખર્ચ બંને ઘટશે તેમજ એશિયાઈ બજારો વચ્ચેની અવરજવર વધુ સરળ બનશે.