ગુજરાતમાં શિયાળાની આહટને બદલે આકરી ગરમીનો અનુભવ Oct 19, 2026 અમદાવાદ,દરેક દાયકામાં ગરમીના દિવસોમાં ૨.૩ અને રાત્રિ તાપમાનમાં ૧.૫ નો વધારો થતો હોવાનો ખુલાસોભારતીય હવામાન વિભાગ અને કૃષિ રિસર્ચ કાઉન્સિલના નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા અને 'ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ક્લાઇમેટોલોજી'માં પ્રકાશિત થયેલા એક મહત્વપૂર્ણ સંશોધન રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતમાં દર દાયકે 35 ડિગ્રીથી વધુ તાપમાન ધરાવતા ‘ગરમ દિવસો’ની સંખ્યામાં 2.3 નો સતત વધારો થઈ રહ્યો છે.વર્ષ 1951થી 2025 સુધીના તાપમાનના આંકડાકીય અધ્યયનને આધારે તૈયાર કરાયેલા આ રિપોર્ટ મુજબ, માત્ર દિવસનું જ નહીં પરંતુ રાત્રિનું તાપમાન પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યમાં 20 ડિગ્રી કે તેથી વધુ તાપમાન ધરાવતી રાતોની સંખ્યામાં પણ દર દાયકે 1.5 નો ઉમેરો થઈ રહ્યો છે. હાલ રાજકોટ અને ભુજ જેવા વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જ્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. અલ-નીનોની અસરે નબળા ચોમાસા બાદ હવે શિયાળા અને આવનારા ઉનાળાને પણ પ્રભાવિત કર્યા છે. આ બદલાતા હવામાનને કારણે જળાશયોમાં પાણીની અછત, ઘટતા ભૂગર્ભ જળ અને જમીનમાં ભેજનું પ્રમાણ ઘટવાથી શિયાળુ પાકને પણ મોટો ફટકો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. Previous Post Next Post