ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ગાંધીનગર,

દેડિયાપાડાના ધારાસભ્ય સામેની સજાના ઓર્ડર બાદ હવે વિધાનસભા સચિવાલય હરકતમાં, સભ્યપદ રદ થવાની અટકળો તેજ


દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયા છે. રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ હવે ગુજરાત વિધાનસભા સચિવાલયમાં હિલચાલ તેજ બની છે. કોર્ટનો સત્તાવાર ઓર્ડર વિધાનસભા સુધી પહોંચતા, હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ટકશે કે જશે, તે બાબતે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

રાજપીપળા સેશન્સ કોર્ટનો ઓર્ડર મળ્યા બાદ વિધાનસભાના લીગલ વિભાગ દ્વારા કાયદાકીય પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે. લીગલ વિભાગ હાલમાં કોર્ટના ચુકાદા અને તેમાં મળેલી સજાના આધારે એક વિસ્તૃત રિપોર્ટ અને દરખાસ્ત તૈયાર કરી રહ્યો છે. આ રિપોર્ટ આગામી દિવસોમાં વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે. સમગ્ર બાબતની કાયદાકીય તપાસ અને સમીક્ષા બાદ અધ્યક્ષ આ મામલે આખરી નિર્ણય લેશે, જેના પર સૌની નજર ટકેલી છે.
વર્તમાન કાયદાકીય જોગવાઈઓ મુજબ, જો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુની સજા ફટકારવામાં આવે, તો તેમનું ધારાસભ્ય પદ રદ થવાપાત્ર બને છે. આ નિયમને ધ્યાનમાં લેતા, વિધાનસભા સચિવાલય દ્વારા કરવામાં આવી રહેલી પ્રક્રિયા ચૈતર વસાવાના રાજકીય ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. જો પદ રદ કરવાનો નિર્ણય લેવાય, તો દેડિયાપાડા બેઠક ખાલી જાહેર કરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ થશે. હાલમાં આ સમગ્ર પ્રકરણ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.