ગુજરાતના રસ્તાઓ પર ગતિના કારણે દરરોજ સરેરાશ 20ના મોત, અતિ ઝડપ અને બેદરકારી બની અકસ્માતોનું મુખ્ય કારણ

ગુજરાતના રસ્તાઓ પર ગતિના કારણે દરરોજ સરેરાશ 20ના મોત, અતિ ઝડપ અને બેદરકારી બની અકસ્માતોનું મુખ્ય કારણ

ગાંધીનગર

ગુજરાત રાજ્યના માર્ગો પર વાહન વ્યવહારનું ભારણ વધવાની સાથે જ અકસ્માતોની ઘટનાઓમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યભરમાં રોડ અકસ્માતોમાં મૃત્યુઆંક ખૂબ જ ભયાનક સ્થિતિ દર્શાવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં દરરોજ સરેરાશ ૨૦ વ્યક્તિઓના મોત નિપજી રહ્યા છે, જે સમાજ અને તંત્ર માટે એક ગંભીર ચેતવણી સમાન છે.
અકસ્માતોના કારણોની તપાસ કરતા બહાર આવ્યું છે કે, મોટાભાગના ગંભીર અકસ્માતો પાછળનું મુખ્ય કારણ વાહનોની 'ઓવર સ્પિડ' (અતિ ઝડપ) છે. હાઇવે હોય કે શહેરના રસ્તાઓ, વાહનચાલકો દ્વારા કરવામાં આવતી ગતિ મર્યાદાનું ઉલ્લંઘન અસંખ્ય પરિવારોને રઝળતા કરી રહ્યું છે. વાહનની ઝડપ પર કાબૂ ન હોવાને કારણે ચાલક અચાનક આવતા અવરોધોને પાર કરી શકતા નથી અને જીવલેણ અકસ્માત સર્જાય છે.

નિષ્ણાતોના મતે, માત્ર રસ્તાઓનું માળખું સુધારવું પૂરતું નથી, પરંતુ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવું અનિવાર્ય છે. પોલીસ વિભાગ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જનમાનસમાં હજુ પણ સુરક્ષિત ડ્રાઇવિંગ અંગેની જાગૃતિનો અભાવ જોવા મળે છે. જો વાહનચાલકો સમયના મોહમાં આવી ઝડપને નિયંત્રિત રાખે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે, તો રોજ થતા મૃત્યુઆંકમાં મોટો ઘટાડો લાવી શકાય છે. આ ભયાનક આંકડો દર્શાવે છે કે, ગુજરાતના રસ્તાઓ પર હવે સુરક્ષા એક મોટો પડકાર બની ગયો છે. તંત્ર દ્વારા કડક પગલાં અને નાગરિકો દ્વારા જવાબદાર ડ્રાઇવિંગ જ આ કાળમુખા અકસ્માતોને રોકવાનો એકમાત્ર ઉપાય છે.