સૌરાષ્ટ્રભરમાં સચરાચર અને સાર્વત્રિક મેઘ મહેર, ભાવનગર, સિહોર, મહુવા, વલ્લભીપુર અને ઉમરાળામાં  ૩-૩ ઈંચ પાલિતાણામાં 4 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રભરમાં સચરાચર અને સાર્વત્રિક મેઘ મહેર, ભાવનગર, સિહોર, મહુવા, વલ્લભીપુર અને ઉમરાળામાં ૩-૩ ઈંચ પાલિતાણામાં 4 ઇંચ વરસાદ

રાજકોટ ,

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે મેઘરાજાએ સૌરાષ્ટ્ર પંથકમાં પણ પોતાનો અસલી મિજાજ દેખાડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનરાધાર વરસી રહેલા પાણીના પ્રવાહને કારણે નદી-નાળાઓ ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

સુરેન્દ્રનગરની સાથેસાથે મોરબી અને રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અતિભારે વરસાદને કારણે રાજકોટ અને મોરબીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

સુરેન્દ્રનગરમાં ભારે પાણીના પ્રવાહથી ચેકડેમ ધરાશાયી

સુરેન્દ્રનગર પંથકમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પુષ્કળ પાણીના પ્રવાહના કારણે એક મહત્વપૂર્ણ  ચેકડેમ તૂટવાથી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા ગામોમાં પણ પાણી ભરાઈ જવાનો ખતરો વધી ગયો છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


જસદણમાં સાર્વત્રિક 2 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સતત વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં જસદણમાં અંદાજે 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જસદણ ઉપરાંત આટકોટ, પાંચવડા, જીવાપર, કમળાપુર અને લીલાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે જસદણના નવા બસ સ્ટેન્ડ અને ચિતલિયા રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વરસાદથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.


ભાવનગર જિલ્લામાં ધીંગી મેઘ સવારી

ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી અવિરતપણે ચાલી રહેલી ધીમીધારે પરંતુ ભારે વરસાદની હેલીના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. 
છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના સત્તાવાર આંકડાઓ અનુસાર, પાલીતાણા તાલુકામાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. 
ભાવનગર શહેર, સિહોર, મહુવા, વલ્લભીપુર અને ઉમરાળા એમ પાંચેય તાલુકાઓમાં સરેરાશ ૩-૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.


સુરેન્દ્રનગરમાં સાંબેલાધાર: માત્ર ૮ કલાકમાં ૮ ઇંચ વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ૮ કલાકના ટૂંકા સમયગાળામાં ધોધમાર ૮ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અતિભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં પાણી ભરાઈ ગયા છે. પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો મુખ્ય માર્ગોથી કપાતા ટાપુઓમાં ફેરવાઈ ગયા છે. ભારે વહેણને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે, તો ક્યાંક પોલીસ સ્ટેશન અને સરકારી ઈમારતોમાં પણ વરસાદી પાણી ઘૂસી જવાથી ભારે નુકસાન અને મુશ્કેલીઓ સર્જાઈ છે. જિલ્લામાં સલામતીના ભાગરૂપે ૧૩ જેટલા મહત્વના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ