ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટની ૧૦ કિ.મી. લાંબી ટનલનું સફળ બ્રેકથ્રૂ

ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટની ૧૦ કિ.મી. લાંબી ટનલનું સફળ બ્રેકથ્રૂ

દેહરાદૂન,

૨૮માંથી ૨૨ ટનલનું કામ પૂર્ણ: પર્વતીય ક્ષેત્રમાં ટૂંક સમયમાં રેલ સેવા સાકાર થવાના એંધાણ

ઉત્તરાખંડના દુર્ગમ પહાડી પ્રદેશોમાં રેલવે નેટવર્કને વિસ્તારવા માટે ચાલી રહેલા મહત્ત્વાકાંક્ષી 'ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ' અંતર્ગત એક મોટી સફળતા હાંસલ થઈ છે. એન્જિનિયરોની ટીમે ઢાલવાલાથી નીર ગડ્ડુ વચ્ચે આવેલી આશરે ૧૦ કિલોમીટર લાંબી પ્રથમ એસ્કેપ ટનલનું સફળ બ્રેકથ્રૂ પૂરું કર્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિથી પર્વતોની ગોદમાં રેલવે સેવાઓ શરૂ થવાના સ્વપ્નને સાકાર થવામાં વધુ એક મોટું પગલું આગળ વધ્યું છે.

આ ટનલ નિર્માણના કાર્ય દરમિયાન અણધાર્યા ભૂગર્ભીય પડકારો, જટિલ શૈલ રચનાઓ અને અચાનક સામે આવેલા જળસ્રોતો જેવી ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ સમગ્ર મહાપ્રોજેક્ટની વિશાળ રૂપરેખા મુજબ કુલ ૨૮ ટનલોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી અત્યાર સુધીમાં ૨૨ જેટલી ટનલોનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ટનલ નેટવર્કના આ મોટા હિસ્સાના પૂર્ણ થવાથી હવે ઉત્તરાખંડના પહાડી ક્ષેત્રોમાં ટૂંક સમયમાં જ રેલવે સેવાઓ શરૂ થવાની પ્રબળ સંભાવનાઓ ઉજળી બની છે.