રાજકોટના હજારો લોકો આવતીકાલે તરસ્યા રહેશે: ચાર વોર્ડની 170થી વધુ સોસાયટીમાં એક દિવસનો પાણીકાપ

રાજકોટના હજારો લોકો આવતીકાલે તરસ્યા રહેશે: ચાર વોર્ડની 170થી વધુ સોસાયટીમાં એક દિવસનો પાણીકાપ

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આવતીકાલે તા.31 જાન્યુઆરીના રોજ શહેરના ચાર વોર્ડમાં એક દિવસ માટે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય હેડર લાઈનમાં સર્જાયેલા ગંભીર લીકેજ અને જરૂરી રિપેરિંગ કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાના આ પાણીકાપના પગલે બોર્ડ નં. 4, 5, 7 અને 14ના કુલ 170થી વધુ સોસાયટીમાં રહેતા હજારો નાગરિકો એક દિવસ માટે પાણી વિના રહેવા મજબૂર બનશે.
 

મુખ્ય હેડર લાઈનમાં ગંભીર લીકેજ

મનપાના વોટરવર્ક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મેઈન પંપ હાઉસથી ESR (એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર) તરફ જતી મુખ્ય હેડર લાઈનમાં ગંભીર લીકેજ સર્જાયું છે. ખાસ કરીને ડક્ટ ફૂટ બેન્ડમાં તૂટફૂટ થવાથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત મેઈન પંપ હાઉસ અને જયુબેલી પંપ હાઉસને જોડતી લાઈનમાં આવેલા ઇન્ટરસેપ્ટર વાલ્વના રિડ્યુસરમાં પણ લીકેજ નોંધાયું છે, જેના કારણે તાત્કાલિક રિપેરિંગ અનિવાર્ય બન્યું છે.
 

એક દિવસ માટે સત્તાવાર શટડાઉન

આ તમામ ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે નવો વાલ્વ બેસાડવાની, લાઈનોનું રિપેરિંગ કરવાની અને જિલ્લા ગાર્ડન ખાતે આવેલા GSR (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર)ની સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે રાજકોટ મનપા દ્વારા તા.31 જાન્યુઆરીના રોજ એક દિવસ માટે સત્તાવાર રીતે પાણી વિતરણ શટડાઉન જાહેર કરાયું છે.
 

ચાર વોર્ડના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ

મનપાના જણાવ્યા મુજબ, બેડી ફિલ્ટર પ્લાન્ટ, ગ્રીનલેન્ડ હેડવર્કસ અને જિલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. આ કારણે ચાર વોર્ડની 170થી વધુ સોસાયટીમાં રહેતા નાગરિકોને સીધી અસર થશે.
 

વોર્ડ નં. 4 – બેડી હેડવર્કસ હેઠળના વિસ્તારો

વોર્ડ નં. 4માં વેલનાથ પરા, ઉત્સવ પાર્ક, સાગર પાર્ક, ધારા એવન્યુ, કબીરધામ, જયપ્રકાશનગર, સ્કાય રેસીડેન્સી, રાજલક્ષ્મી, સોહમનગર, રાધિકા પાર્ક, ઓમ પાર્ક, હરીનગર, શિવમ પાર્ક, સીતારામ પાર્ક, બજરંગ પાર્ક, સદગુરુ પાર્ક, પંચવટી સોસાયટી, વ્રજભૂમિ રેસીડેન્સી, શક્તિ પાર્ક, પુષ્કરધામ રેસીડેન્સી સહિત અનેક સોસાયટીઓમાં પાણી વિતરણ બંધ રહેશે.
 

વોર્ડ નં. 5 – ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના વિસ્તારો

આ વોર્ડમાં અલકા પાર્ક, ભગીરથ સોસાયટી, ગાંધી સ્મૃતિ સોસાયટી, ગ્રામલક્ષ્મી સોસાયટી, ગુજરાત સોસાયટી, ગુલાબવાડી, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, લાખેશ્વર સોસાયટી, લાલપરી મફતીયાપરા, માલધારી સોસાયટી, મારુતીનગર, મણીનગર, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસ યોજના, શિવમનગર, શ્રીરામ સોસાયટી સહિતના વિસ્તારો અસરગ્રસ્ત રહેશે.
 

વોર્ડ નં. 7 અને 14 – જિલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળના વિસ્તારો
 


વોર્ડ નં. 7માં કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, નવયુગપરા, મીલપરા સહિતના વિસ્તારોમાં પાણીકાપ રહેશે.
જ્યારે વોર્ડ નં. 14માં લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, બાપુનગર, ગોવિંદપરા, કોઠારીયા કોલોનીનો ભાગ, પુજારા પ્લોટનો ભાગ, કુંભારવાડા, જયરાજ પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
 

નાગરિકોને સહકારની અપીલ

મનપાના વોટરવર્કસ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે, ભવિષ્યમાં મોટી લાઈન ફાટવાની કે ગંભીર ભંગાણ સર્જાવાની શક્યતા ટાળવા માટે આ સમારકામ અત્યંત જરૂરી છે. એક દિવસના આ શટડાઉનથી હજારો નાગરિકોને હાલાકી સહન કરવી પડી શકે છે, તેથી મનપાએ નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી લેવા અને તંત્રને સહકાર આપવા વિનંતી કરી છે.
 

રવિવારથી રાબેતા મુજબ પાણી પુરવઠો

સમારકામની તમામ કામગીરી પૂર્ણ થયા બાદ રવિવારથી શહેરમાં રાબેતા મુજબ પાણી વિતરણ ફરી શરૂ કરવામાં આવશે, તેમ મનપા દ્વારા ખાતરી આપવામાં આવી છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો