સરકારી સ્કૂલોમાં મંજૂરી વગર રીલ્સ કે વીડિયોગ્રાફી કરનાર સામે પોક્સો અને IT એક્ટ હેઠળ થશે કાર્યવાહી Oct 22, 2026 ગાંધીનગર,દાહોદની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ શિક્ષણ વિભાગનો પરિપત્રતાજેતરમાં દાહોદની શાળામાં બનેલી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ સતર્ક થયેલા શિક્ષણ વિભાગે હવે તમામ સ્કૂલોમાં અજાણ્યા તથા બિનઅધિકૃત લોકોના પ્રવેશ પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે. નવા પરિપત્ર અનુસાર, વાલીઓ અને અધિકૃત શૈક્ષણિક અધિકારીઓ સિવાયની કોઈપણ બાહ્ય વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશવા માટે શાળાના આચાર્ય કે સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. આ ઉપરાંત, શાળાના મુખ્ય ગેટ પર રાખવામાં આવેલા રજિસ્ટરમાં દરેક મુલાકાતીએ પોતાની વિગતો નોંધાવવી પડશે. આચાર્યની પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિને વર્ગખંડ, પ્રયોગશાળા કે પુસ્તકાલય જેવા વિસ્તારોમાં જવા દેવામાં આવશે નહીં.વિશેષરૂપે, શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ કે શિક્ષકોની પૂર્વ મંજૂરી વિના ફોટોગ્રાફી કરવા, ઓડિયો રેકોર્ડિંગ કરવા, લાઇવ સ્ટ્રીમિંગ કરવા કે સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ નિયમનો ભંગ કરશે અથવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તો તેની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. એટલું જ નહીં, આવા કિસ્સાઓમાં પરિસ્થિતિ મુજબ પોક્સો એક્ટ અને આઈટી એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને દાખલારૂપ પગલાં ભરવામાં આવશે. Previous Post Next Post