અમદાવાદમાં 1000 ફૂટની ઊંડાઈના 12 નવા બોરવેલ બનાવી જળ સંકટ સામે બાથ ભીડાશે Oct 28, 2026 અમદાવાદ,રૂ. 3.99 કરોડના ખર્ચે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-દક્ષિણ ઝોનમાં ટ્યુબવેલ તૈયાર કરાશેઅમદાવાદ શહેરમાં પાણીનું વિતરણ સુચારૂ રૂપે જળવાઈ રહે તે હેતુસર તંત્ર દ્વારા ચાર મુખ્ય ઝોનમાં એક હજાર ફૂટ એટલે કે આશરે 310 મીટર ઊંડા કુલ 12 નવા બોરવેલ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.આગામી ગુરુવારે મળનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીની બેઠકમાં રૂ. 3.99 કરોડના માતબર ખર્ચે આ બોરવેલ બનાવવાની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવનાર છે. પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોન અંતર્ગત જે વિસ્તારોમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન મારફતે પૂરતા પ્રમાણમાં પાણી નથી પહોંચતું અથવા જ્યાં જૂના બોરવેલ ફેલ થઈ ગયા છે, તેવા છૂટાછવાયા અને જરરિયાતવાળા સ્થળોની પસંદગી કરીને આ પ્રોજેક્ટનું કામ ચાર જુદી જુદી એજન્સીઓને સોંપવામાં આવશે. ડ્રિલિંગ અને પાઇપ એસેમ્બલી સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બોરવેલ બનવાથી નાગરિકોને ઉનાળા કે પાણીની અછતની સ્થિતિમાં મોટી રાહત મળશે. Previous Post Next Post