ફરી હવામાનમાં મોટો પલ્ટો: સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનો, ઠંડીનો અનુભવ વધ્યો Feb 10, 2026 કાશ્મીરમાં થયેલી તાજેતરની હિમવર્ષાના પગલે સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. મંગળવારની સવારથી રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો છે. વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું, રસ્તાઓ ઝાકળથી ભીના બન્યા હતા અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાતા છેલ્લા કેટલાક દિવસોથી ઓસરેલી ઠંડી ફરી અનુભવાઈ હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી આગામી બે દિવસ સુધી સવારના સમયે ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે સાથે ઠંડા પવનો ફૂંકાશે અને લઘુતમ તાપમાન 15થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. સવારે વધુ ભેજ અને ઓછી દૃશ્યતા રહેવાના કારણે વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર હોવાનું પણ જણાવાયું છે.આજે સવારે રાજકોટમાં ભેજનું પ્રમાણ 98 ટકા સુધી પહોંચ્યું હતું. લગભગ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. શહેરમાં લઘુતમ તાપમાન 15.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારે ભેજના કારણે ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે સૂર્યનારાયણે મોડા દર્શન આપ્યા હતા. રસ્તાઓ પર ઝાકળ વરસતા વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવું પડ્યું હતું.સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી. નલિયામાં લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું, પોરબંદરમાં 14.5, વેરાવળમાં 15.9 અને અમરેલીમાં 14.8 ડિગ્રી તાપમાન રહ્યું. ભાવનગરમાં 18.7, ભુજમાં 16.6 અને જામનગરમાં તાપમાનમાં એક જ દિવસમાં અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાયો. જામનગરમાં આજે લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી સુધી ઘટ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાનમાં પણ બે ડિગ્રીનો ઘટાડો નોંધાતાં તે 29 ડિગ્રી આસપાસ રહ્યું હતું.વિશેષ નોંધનીય બાબત એ રહી કે સામાન્ય રીતે હંમેશા હુંફાળું રહેતું કેન્દ્રશાસિત પ્રદેશ દિવ આજે સૌથી ઠંડું રહ્યું. દિવમાં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય ડીસામાં 14.8, ગાંધીનગરમાં 16.8, અમદાવાદમાં 17, વડોદરામાં 16.4, સુરતમાં 18.2, ઓખામાં 19.6, કંડલામાં 16, દ્વારકામાં 19 અને દમણમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. મોટી પાનેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળતા અહેવાલો મુજબ વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. વાતાવરણ ધૂંધળું બની જતાં વાહનચાલકોને તકલીફ પડી હતી, જોકે હેડલાઇટ ચાલુ રાખીને લોકો સલામતીપૂર્વક પોતાના વાહનો ચલાવતા જોવા મળ્યા હતા. મોર્નિંગ વોક માટે નીકળેલા લોકો માટે આ વાતાવરણ કાશ્મીર જેવી ઠંડક અને આહલાદક લાગણી આપતું હતું, જો કે બપોર બાદ ફરી ગરમીનો અનુભવ થતો રહ્યો.જામનગર પંથકમાં ઝાકળવર્ષાના કારણે શહેરના મુખ્ય માર્ગો ભીના થઈ ગયા હતા. સૂર્યોદય પણ મોડો થયો હતો અને સવારે આઠ વાગ્યા બાદ જ સૂર્યના દર્શન થયા હતા. ઝાકળના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 86 ટકા સુધી પહોંચી ગયું હતું, જ્યારે પવનની ગતિ ઘટીને 2.6 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હળવી થતાં આગામી દિવસોમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ ત્યાં સુધી સવારના સમયે ઠંડક, ઝાકળ અને ધુમ્મસ યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને વહેલી સવાર અને રાત્રિના સમયમાં બહાર નીકળનારા લોકોએ ગરમ કપડાં પહેરવાની અને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. Previous Post Next Post