રાજકોટ RTOની કડક ઝુંબેશ: ગેરકાયદે વ્હાઇટ LED લાઈટ સામે 15 દિવસમાં રૂ.5 લાખનો દંડ, રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની ચેતવણી Feb 10, 2026 રાજ્યભરમાં વ્હાઇટ LED સામે કાર્યવાહી શરૂરાજ્યમાં વધતા માર્ગ અકસ્માતો પાછળ આંખને આંજી દેતી ગેરકાયદે વ્હાઇટ LED લાઈટ એક મોટું કારણ બની રહી હોવાનું સામે આવતા ગુજરાત રાજ્ય વાહન-વ્યવહાર કમિશનર કચેરી દ્વારા 21 જાન્યુઆરીએ મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર અંતર્ગત તમામ જિલ્લા RTOને અનધિકૃત રીતે વાહનોમાં લગાવવામાં આવતી વ્હાઇટ LED લાઈટ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાઓને પગલે રાજકોટ RTO એક્શન મોડમાં આવ્યું છે અને માત્ર 15 દિવસમાં જ 250થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી રૂ.5 લાખની વસૂલાત કરી છે. રાજકોટ RTOનું એક્શન મોડરાજકોટ RTO અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે, લોકો સ્વયંસ્ફૂર્ત રીતે ગેરકાયદે LED લાઈટ દૂર કરે તે માટે આ ઝુંબેશ સતત ચાલુ રહેશે. જો દંડ છતાં લોકોમાં જાગૃતિ નહીં આવે તો આગામી તબક્કે વાહનોના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. RTOનું કહેવું છે કે, રસ્તા પર સલામતી સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી જરૂરી બની છે. રાત્રિના સમયે સઘન ચેકિંગરાજકોટ RTO અધિકારી ઈન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, ગાંધીનગરની વડી કચેરીથી પરિપત્ર આવ્યા બાદ રાત્રિના સમયે ખાસ કરીને હાઈવે પર સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. નિયમિત ટીમ ઉપરાંત વધારાની બે ટીમ બનાવવામાં આવી છે, જે રાત્રિ દરમિયાન ચેકિંગ કરે છે. દિવસ દરમિયાન પણ જો કોઈ વાહનમાં વધારાની અથવા પ્રતિબંધિત LED લાઈટ નજરે પડે તો તેને રોકી તરત જ દંડ કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ શકે છેRTO અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, LED લાઈટ લગાવનાર વાહનને તાત્કાલિક ડિટેઇન કરી શકાય નહીં, પરંતુ કાયદા મુજબ તેનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરી શકાય છે. હાલ પ્રાથમિક તબક્કે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જો નિયમભંગ ચાલુ રહેશે તો રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. કંપની ફિટેડ અને ગેરકાયદે LED વચ્ચે તફાવતઅધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, વાહન કંપની દ્વારા ફિટ કરવામાં આવતી LED હેડલાઈટ કેન્દ્ર સરકારની અધિકૃત એજન્સીઓ દ્વારા મંજૂર હોય છે અને તે કાયદેસર છે. પરંતુ બજારમાંથી સસ્તામાં મળતી અને ચાઈનાથી મંગાવવામાં આવતી અનધિકૃત LED લાઈટો વધુ તીવ્ર પ્રકાશ ફેંકે છે. આ પ્રકારની લાઈટો સામેવાળા વાહનચાલકોની નજર ચમકાવી દેતી હોવાથી અકસ્માતની સંભાવના વધે છે. બાઈક, કારમાં મોડિફિકેશન માટે અને બસ-ટ્રકમાં વધારાની લાઈટ તરીકે આ LEDનો મોટા પાયે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. સુરત સહિત અન્ય શહેરોમાં પણ કાર્યવાહીરાજ્યના અન્ય શહેરોમાં પણ આ ઝુંબેશ અસરકારક રીતે ચાલી રહી છે. સુરત શહેરમાં છેલ્લા એક મહિના દરમિયાન અનધિકૃત અને વધારે તીવ્રતા ધરાવતી હેડલાઈટ સામે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 350 જેટલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાઈવેને જોડતા ચેકપોઈન્ટ્સ પર 24 કલાક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ કડક બનાવવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં 3 હજારથી વધુ વાહનચાલકો દંડિતરાજ્યના વાહન વ્યવહાર વિભાગે 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વ્હાઇટ LED હાઈબીમ ધરાવતા કુલ 3094 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. સૌથી વધુ કાર્યવાહી વલસાડ જિલ્લામાં કરવામાં આવી હતી, જ્યાં 288 વાહનચાલકો સામે દંડ વસૂલાયો હતો. ગેરકાયદે LEDનો કાળો કારોબારએક તરફ RTO દ્વારા કડક કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં બેરોકટોક ગેરકાયદે LED લાઈટનું વેચાણ ચાલુ હોવાની ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. દિવ્ય ભાસ્કર દ્વારા રાજકોટ અને વડોદરામાં કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં વેપારીઓ ખુલ્લેઆમ ગેરકાયદે વ્હાઇટ LED વેચતા જોવા મળ્યા હતા. વેપારીઓએ દાવો કર્યો હતો કે, દર વર્ષે થોડી કાર્યવાહી થાય છે, પરંતુ આ ધંધો ક્યારેય બંધ થતો નથી. જનતાને અપીલRTO અને પોલીસ વિભાગે વાહનચાલકોને અપીલ કરી છે કે, જો તેમના વાહનમાં કોઈપણ પ્રકારની અનધિકૃત વ્હાઇટ LED લાઈટ લગાવવામાં આવી હોય તો તેને તાત્કાલિક દૂર કરે. માર્ગ સલામતી સૌની જવાબદારી છે અને નિયમોનું પાલન કરીને જ અકસ્માતો પર અંકુશ મૂકી શકાય. Previous Post Next Post