આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ: રાજ્યભરમાં ઉત્સાહ, ભયમુક્ત વાતાવરણમાં 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા

આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ: રાજ્યભરમાં ઉત્સાહ, ભયમુક્ત વાતાવરણમાં 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) હેઠળ આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાં કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10નું પ્રથમ ભાષાનું પેપર આજે સવારે 10 વાગ્યે શરૂ થયું છે. બોર્ડ પરીક્ષાની શરૂઆત સાથે જ રાજ્યના વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
 

 રાજ્યભરમાં વ્યાપક તૈયારીઓ

આ વર્ષે ધોરણ 10 માટે 1006 અને ધોરણ 12 માટે 695 કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ધોરણ 12માં સામાન્ય પ્રવાહ માટે 539 અને વિજ્ઞાન પ્રવાહ માટે 156 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે. SSC માટે 87 અને HSC માટે 59 ઝોન બનાવવામાં આવ્યા છે.

તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા, લાઈવ સ્ટ્રીમિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેપરસેટને સ્ટ્રોંગ રૂમમાંથી કડક પોલીસ બંદોબસ્ત સાથે કેન્દ્રો પર પહોંચાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમો પણ દરેક સેન્ટર પર તૈનાત રાખવામાં આવી છે.
 

સુરત અને રાજકોટમાં અનોખું સ્વાગત

સુરતમાં વિદ્યાર્થીઓનું બેન્ડબાજા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કંકુ-તિલક કરીને અને ફૂલ-ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ અપાયો હતો.

રાજકોટમાં ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે’ ગીત સાથે વિદ્યાર્થીઓનું આવકાર કરવામાં આવ્યું હતું. ફૂલ આપી અને મીઠાઈ ખવડાવી પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

વડોદરામાં ઢોલ-નગારા સાથે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો, જ્યારે અમદાવાદ અને ભાવનગરમાં પણ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
 

વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, વાલીઓ સવારથી હાજર

વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પોતાના રૂમ નંબર અને બેઠક નંબર ચેક કરવા સેન્ટર પર પહોંચી ગયા હતા. અનેક સ્થળોએ વાલીઓ પણ બાળકોને એક કલાક વહેલા પહોંચાડતા જોવા મળ્યા હતા, જેથી ટ્રાફિક કે અન્ય કારણોસર મોડું ન થાય.

રાજકોટમાં પગમાં ફ્રેકચર હોવા છતાં વિદ્યાર્થી યુગ નકુમે વ્હીલચેર પર આવી પરીક્ષા આપી હતી, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.
 

સુરત પોલીસ બની ‘સારથી’

સુરતમાં આસિફા નામની વિદ્યાર્થિનીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી પડતા સુરત પોલીસે પોતાની ગાડીમાં તેને સુરક્ષિત રીતે સેન્ટર સુધી પહોંચાડી હતી. આ ઘટના સૌના દિલને સ્પર્શી ગઈ હતી.
 


અધિકારીઓનો ઉત્સાહવર્ધક સંદેશ

રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ ન્યૂ એરા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે આખું વર્ષ મહેનત કરી છે, તેથી કોઈ સ્ટ્રેસ રાખવાની જરૂર નથી. તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી વિદ્યાર્થીઓ સાથે હળવી વાતચીત કરતા જોવા મળ્યા. એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે, “શું તમને પણ ધોરણ 10ની પરીક્ષાનો ડર લાગતો હતો?” કલેક્ટરે હસતાં જણાવ્યું કે તેઓ ધોરણ 10માં ટોપર રહ્યા હતા, પરંતુ શરૂઆતમાં દરેક વિદ્યાર્થી નર્વસ રહે છે. તેમણે સલાહ આપી કે 10ના માર્ક્સને લઈને ટેન્શન ન લેવું, શાંતિથી પરીક્ષા આપવી.

અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ કેન્દ્રો પર સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે.
 

દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાનો સમય

આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. પૃથ્થક વિદ્યાર્થીઓને પણ જરૂરી સુવિધા આપવામાં આવી છે.
 

જિલ્લાવાર ભાગીદારી

રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રો પરથી 80,248 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વડોદરામાં 72 હજારથી વધુ અને સુરતમાં 1.61 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
 

પરીક્ષા મિત્ર હેલ્પલાઈન

વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા મિત્ર હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે. ગેરરીતિમુક્ત અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર સજ્જ છે.

રાજ્યભરમાં બોર્ડ પરીક્ષાની શરૂઆત ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થઈ છે. વિદ્યાર્થીઓએ આખા વર્ષની મહેનતનું પ્રદર્શન કરવા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યો છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો