ચીનના સાઉદી સાથે સંબંધથી સિક્રેટ ટેક્નોલોજી લીક થવાના ડર છતાં

ચીનના સાઉદી સાથે સંબંધથી સિક્રેટ ટેક્નોલોજી લીક થવાના ડર છતાં

નવી દિલ્હી,

અમેરિકા સાઉદી અરેબિયાને ₹૨.૩ લાખ કરોડનની કિંમતના 48 F-35 ફાઇટર જેટ વેચશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાતમાં સાઉદી અરેબિયાને વિશ્વના સૌથી અદ્યતન એવા F-35 સ્ટેલ્થ ફાઇટર જેટ વેચવાની મંજૂરી આપી દીધી છે. અંદાજે 24.3 અબજ ડોલર (લગભગ ₹2.3 લાખ કરોડ)ની આ વિશાળ મહાડીલને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ પ્રસ્તાવિત સમજૂતી હેઠળ સાઉદી અરેબિયાને લોકહીડ માર્ટિન કંપનીના 48 અત્યાધુનિક F-35 લડાકુ વિમાનો મળવાની શક્યતા છે. જો કે, આ ઐતિહાસિક સોદા પાછળ વૈશ્વિક સુરક્ષા અને ટેક્નોલોજી લીક થવાના જોખમને લઈને ગંભીર ચિંતાઓ પણ જોડાયેલી છે.

આ મહાડીલને લઈને અમેરિકી સંરક્ષણ વિભાગ અને ગુપ્તચર એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. સાઉદી અરેબિયા સાથે ચીનના વધતા જતા વ્યાપારી સંબંધોને ધ્યાનમાં રાખીને અમેરિકી સુરક્ષા એજન્સીઓમાં એ વાતનો ડર સતાવી રહ્યો છે કે જો F-35 જેવા અત્યાધુનિક ફાઇટર જેટની ખાનગી અને અત્યંત સંવેદનશીલ 'સ્ટેલ્થ ટેક્નોલોજી' સાઉદી સુધી પહોંચશે, તો તે ડ્રેગન (ચીન)ના હાથમાં જઈ શકે છે. આ ટેક્નોલોજી લીક થવાથી અમેરિકાની સૈન્ય સર્વોપરિતા અને સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થઈ શકે છે.

અમેરિકા દ્વારા સાઉદી અરેબિયાને આ ઘાતક વિમાનો આપવાના નિર્ણયથી મધ્ય પૂર્વમાં એકમાત્ર F-35 યુઝર દેશ રહેલા ઇઝરાયલની ચિંતા વધી ગઈ છે. ઇઝરાયલ હંમેશાં આ ક્ષેત્રમાં પોતાની ગુણાત્મક સૈન્ય સરસાઈ જાળવી રાખવા માટે કટિબદ્ધ રહ્યું છે. અમેરિકી કાયદા મુજબ પણ ઇઝરાયલને આરબ દેશોની તુલનામાં વધુ અદ્યતન હથિયારો મળવાની ગેરંટી આપવામાં આવી છે. હવે સાઉદીને આ વિમાનો મળવાથી ક્ષેત્રીય સંતુલન બદલાશે તેવી આશંકાએ ઇઝરાયલી સુરક્ષા વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.