રાજકોટની સરાઝા હોટેલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો, 76 લોકો હાજર હોવાનો ખુલાસો Nov 01, 2026 રાજકોટમાં દિવાળીના તહેવાર વચ્ચે દારૂની પાર્ટીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-2ની ટીમે દરોડો પાડ્યો હતો. 31 ઓક્ટોબરની મોડી રાત્રે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન હોટેલમાંથી 43 પુરુષ અને 33 મહિલા સહિત કુલ 76 લોકો હાજર મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ 38 લોકો સામે ગુનો નોંધ્યો છે.પ્રાથમિક વિગતો અનુસાર, ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિરાગ પટેલનો જન્મદિવસ 12 નવેમ્બરે હોવા છતાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અગાઉથી ઉજવણીનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. પાર્ટી ચાલી રહી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને રાત્રે આશરે 1 વાગ્યે LCBની ટીમે હોટેલમાં અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસની એન્ટ્રી થતાં પાર્ટીમાં મચી અફરાતફરીપોલીસની ટીમ હોટેલમાં પહોંચતાં જ પાર્ટીમાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોટેલના પાર્કિંગમાં મોંઘીદાટ અને લક્ઝરી કારની લાંબી લાઈનો જોવા મળી હતી. પાર્ટીમાં રાજકોટ અને મોરબીના વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ હાજર હોવાની પણ ચર્ચા સામે આવી છે. જોકે, આ અંગે પોલીસ તપાસ દ્વારા વધુ વિગતો સ્પષ્ટ થવાની શક્યતા છે.કાર્યવાહી દરમિયાન હોટેલની લાઇટો બંધ કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે. પાર્ટીમાં હાજર મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન કેટલીક મહિલાઓએ કેમેરામાં ઓળખ છતી ન થાય તે માટે ટેબલ અને ખુરશીનાં કવરથી ચહેરા ઢાંક્યા હોવાના અહેવાલ છે. 11 જેટલી દારૂની બોટલો મળી, 38 સામે ગુનોપોલીસે હોટેલમાં તપાસ કરતાં ટેબલ પર મૂકેલા ગ્લાસમાં દારૂ ભરેલો હોવાનું જણાયું હતું. સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની 750 MLની આશરે 11 ખાલી અને ભરેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દારૂ સિવાય અન્ય કોઈ નશાકારક પદાર્થ મળી આવ્યો નથી.આ મામલે કુલ 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પાર્ટીમાં સામેલ 35 વ્યક્તિઓ ઉપરાંત હોટેલ મેનેજર સહિત ત્રણ સર્વિસ સ્ટાફનો સમાવેશ થાય છે. બ્લડ સેમ્પલ અને CCTV ફૂટેજના આધારે તપાસઆ કેસમાં 92થી વધુ વ્યક્તિઓનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પાર્ટીમાં કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું અને કોણ નશાની હાલતમાં હતું તે અંગે વધુ સ્પષ્ટતા થશે.હાલ પોલીસ હોટેલનાં CCTV ફૂટેજ, સ્થળ પરથી મળેલા પુરાવા અને અન્ય વિગતોના આધારે તપાસ કરી રહી છે. હોટેલ મેનેજમેન્ટે દારૂની વ્યવસ્થા કરી હતી કે નહીં તેમજ પાર્ટીના આયોજન પાછળ અન્ય કોણ-કોણ સામેલ હતું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. મેડિકલ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આ સમગ્ર પ્રકરણમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. Next Post