અંતરિયાળ ગુજરાતને ડિજિટલ પાંખો: સ્ટારલિંક સાથે કરારથી રાજ્યમાં હાઇસ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટનો નવો અધ્યાય Feb 10, 2026 ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં પણ હવે હાઇસ્પીડ ઇન્ટરનેટ પહોંચશે. એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી કંપની સ્ટારલિંક સાથે ગુજરાત સરકારે કરેલા મહત્વપૂર્ણ કરારથી રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટીના ક્ષેત્રે એક નવો યુગ શરૂ થવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને સ્ટારલિંક વચ્ચે પરસ્પર સહયોગ માટેના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoL)નું સત્તાવાર આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા માટે ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની રીઢ ગણવામાં આવી છે. આ દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે સ્ટારલિંક સાથે સહયોગ કરીને રાજ્યના એવા વિસ્તારો સુધી ઇન્ટરનેટ પહોંચાડવાનો નિર્ણય લીધો છે, જ્યાં આજદિન સુધી ટેલિકોમ નેટવર્ક અથવા બ્રોડબેન્ડ સુવિધાઓ પૂરતી ઉપલબ્ધ નથી.આ LoIના અમલથી રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને વિવિધ સ્ટ્રેટેજિક ઇનિશિએટિવ્સને વેગ મળશે. ખાસ કરીને અંતરિયાળ, ટ્રાયબલ અને ઓછી ટેલિકોમ સુવિધાવાળા વિસ્તારોમાં સેટેલાઇટ આધારિત હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે.પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષો, પોર્ટ્સ અને વન્યજીવ અભયારણ્ય જેવા સંવેદનશીલ તથા મહત્વપૂર્ણ વિસ્તારોને સ્ટારલિંક નેટવર્ક સાથે જોડવાનું આયોજન છે. આ પગલાથી સરકારની સેવાઓ વધુ ઝડપથી અને વિશ્વસનીય રીતે નાગરિકો સુધી પહોંચશે.નર્મદા, દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ તેમજ રાજ્યના ટ્રાયબલ વિસ્તારોમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે આ કરાર મહત્વપૂર્ણ સાબિત થશે. આ વિસ્તારોમાં પોલીસ આઉટપોસ્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો, વન્યજીવ મોનિટરિંગ સિસ્ટમ્સ અને કૃષિ સંશોધન કેન્દ્રોને મજબૂત કનેક્ટિવિટી મળશે. પરિણામે સુરક્ષા, સ્થિરતા અને ઇમરજન્સી પ્રતિસાદ ક્ષમતા વધશે, સાથે સાથે સરકારી સેવાઓની ડિલિવરી પણ વધુ અસરકારક બનશે.શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ આ પહેલથી મોટો ફેરફાર જોવા મળશે. રાજ્યની સરકારી શાળાઓમાં સ્માર્ટ એજ્યુકેશન માટે ઝડપી અને વિશ્વસનીય ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ થશે, જેથી વિદ્યાર્થીઓને ડિજિટલ લર્નિંગનો લાભ મળી શકે. તે જ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)માં ટેલિ-મેડિસિન અને અન્ય આરોગ્ય સેવાઓ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ બનશે, જે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.આ LoLના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓની જોઈન્ટ વર્કિંગ ગ્રુપ (JWG) રચવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ ગ્રુપ દ્વારા ટેકનિકલ, ઓપરેશનલ અને સ્ટ્રેટેજિક મુદ્દાઓ પર સંકલન સાધીને પ્રોજેક્ટને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. ભવિષ્યમાં વિવિધ સરકારી વિભાગો, એજન્સીઓ, શાળાઓ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ્સ માટે સંયુક્ત તાલીમ કાર્યક્રમો યોજવાની પણ યોજના છે.આ કરાર અંતર્ગત જી.આઈ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરિટાઈમ અને પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલીસ ઓપરેશન્સમાં પણ ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ઉદ્યોગ, સુરક્ષા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે આ પગલું ગુજરાતની વિકાસ યાત્રાને વધુ ગતિ આપશે.ગાંધીનગરમાં યોજાયેલા LoL એક્સચેન્જ સેરેમનીમાં રાજ્ય સરકાર વતી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિંક ઇન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે કરારની આપ-લે કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સંયુક્ત પ્રોજેક્ટ ગુજરાતની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે અને ઇ-ગવર્નન્સને નવી ઊંચાઈએ લઈ જશે. Previous Post Next Post