સૌની યોજના રાજકોટ માટે બની જીવાદોરી: છેલ્લા 10 વર્ષથી નર્મદા નીરે પીવાના પાણીની ચિંતા ભૂતકાળ બનાવી

સૌની યોજના રાજકોટ માટે બની જીવાદોરી: છેલ્લા 10 વર્ષથી નર્મદા નીરે પીવાના પાણીની ચિંતા ભૂતકાળ બનાવી

વર્ષ 2017 પહેલાં રાજકોટ શહેરમાં પીવાના પાણી માટે વારંવાર ગંભીર સ્થિતિ સર્જાતી હતી. ઉનાળાની શરૂઆત સાથે જ પાણી કાપ, ટેન્કર વ્યવસ્થા અને નાગરિકોની ફરિયાદો સામાન્ય બાબત બની ગઈ હતી. પરંતુ વર્ષ 2017-18થી શરૂ થયેલી સૌની યોજના રાજકોટ માટે સાચા અર્થમાં ‘આશરો’ સાબિત થઈ છે. છેલ્લા સતત દસ વર્ષથી સૌની યોજનાના નર્મદા નીરના કારણે રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા લગભગ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે.

રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સિંચાઈ વિભાગ વચ્ચેના સંકલનના પરિણામે જ્યારે પણ શહેરમાં પીવાના પાણીની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે તરત જ સૌની યોજના હેઠળ નર્મદા નીર શહેરના મુખ્ય જળસ્ત્રોત એવા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમોમાં છોડવામાં આવે છે. આ વ્યવસ્થાના કારણે રાજકોટ શહેરને વર્ષના કોઈપણ સમયગાળામાં પાણી માટે સંઘર્ષ કરવો પડતો નથી.

તાજેતરમાં જ, બે દિવસ પહેલા સિંચાઈ વિભાગ દ્વારા આજી-1 ડેમ ફરી એકવાર છલોછલ કરી દેવાયો છે. હાલમાં ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજનાનું પાણી સતત આવી રહ્યું છે. જો છેલ્લા દસ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે આજી-1 ડેમમાં એટલું નર્મદા નીર ઠાલવવામાં આવ્યું છે કે તે ડેમ લગભગ 12 વખત ભરાઈ જાય તેટલું પાણી પૂરું પાડવામાં આવ્યું છે.
 


રાજકોટ શહેરમાં જ્યારે પીવાના પાણીનો દેકારો વારંવાર બોલતો હતો, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાસ પાઈપલાઈનો બિછાવી આજી, ન્યારી અને ભાદર ડેમોને સૌની યોજનાથી જોડવામાં આવ્યા હતા. વર્ષ 2017-18માં આ યોજના અમલમાં આવી અને ઓક્ટોબર 2017માં સૌપ્રથમ વખત આજી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું. આ ક્ષણને રાજકોટ માટે પાણી સંકટના અંતની શરૂઆત તરીકે જોવામાં આવે છે.

સિંચાઈ વિભાગ અને મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા દસ વર્ષમાં આજી-1 ડેમ માટે કુલ 25 વખત સૌની યોજનાનું પાણી લેવામાં આવ્યું છે. આ દરમિયાન અંદાજે 12,000 એમસીએફટી (મિલિયન ક્યુબિક ફૂટ) જેટલું નર્મદા નીર આજી ડેમમાં ઠાલવાયું છે. ઉલ્લેખનીય છે કે આજી-1 ડેમની કુલ ક્ષમતા 1,029 એમસીએફટીની છે. એટલે કે, આજી ડેમની ક્ષમતાથી બાર ગણું પાણી સૌની યોજના દ્વારા મળ્યું છે.

ફેબ્રુઆરી 2025માં પણ સૌની યોજનાના પાણીથી આજી-1 ડેમ છલકાવી દેવાયો હતો અને ચાલુ વર્ષે ફરી એકવાર આજી ડેમ છલોછલ થયો છે. આ સતત પુરવઠો રાજકોટ શહેર માટે પાણીની સુરક્ષાનું મજબૂત કવચ બની ગયો છે.

માત્ર આજી જ નહીં, પરંતુ ન્યારી-1 ડેમ માટે પણ સૌની યોજના અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે. વર્ષ 2019થી ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી લેવાનું શરૂ કરાયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં ન્યારી-1 માટે કુલ આઠ વખત સૌની યોજનાનું પાણી લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2019થી અત્યાર સુધીમાં ન્યારી-1 ડેમમાં અંદાજે 3,000 એમસીએફટી નર્મદા નીર પહોંચાડવામાં આવ્યું છે.

આ સમગ્ર વ્યવસ્થાના પરિણામે રાજકોટ શહેરમાં આજે પીવાના પાણીની ઉપલબ્ધતા સ્થિર અને વિશ્વસનીય બની છે. ઉનાળો હોય કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ, નાગરિકોને પાણી માટે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. સૌની યોજનાએ રાજકોટ માટે પીવાના પાણીની તંગીને ભૂતકાળની બાબત બનાવી દીધી છે અને શહેરના વિકાસ માટે મજબૂત આધાર પૂરો પાડ્યો છે.

સૌની યોજના માત્ર એક પાણી પુરવઠાની યોજના નહીં, પરંતુ રાજકોટ શહેર માટે દીર્ઘકાલીન જળ સુરક્ષાનું પ્રતીક બની ગઈ છે. નર્મદા નીરના સતત સહારે રાજકોટ આજે પાણી બાબતે આત્મનિર્ભર બની રહ્યું છે, જે શહેરના ભવિષ્ય માટે આશાસ્પદ સંકેત છે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો