ચોમાસુ હજુ વધુ 8 દિવસ બાદ મુંબઈ પહોંચશે, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આગામી બે દિવસ હળવા ઝાપટાંની શક્યતા

ચોમાસુ હજુ વધુ 8 દિવસ બાદ મુંબઈ પહોંચશે, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આગામી બે દિવસ હળવા ઝાપટાંની શક્યતા

અમદાવાદ,

ચોમાસાના વિલંબને પગલે અસહ્ય ઉકળાટ અને ગરમીથી નાગરિકો તોબા

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, પરંતુ હવામાન વિભાગના તાજેતરના અહેવાલો મુજબ ચોમાસાએ ફરી એકવાર 'સ્લો-મોશન' પકડી લીધું છે. નૈઋત્યનું ચોમાસું હાલમાં તેલંગાણાના ભદ્રાચલમ ખાતે સ્થિર થઈ ગયું હોવાથી તેની આગળની ગતિ અટકી છે. આ વિલંબને કારણે મુંબઈ સુધી પહોંચતા જ ચોમાસાને હજુ 7 થી 8 દિવસ જેટલો સમય લાગી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે, જે ગુજરાત માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ કે ડિપ્રેશન સક્રિય ન હોવાને કારણે ચોમાસાની પ્રગતિમાં અવરોધ આવ્યો છે. છેલ્લા છ દિવસથી ચોમાસું એક જ સ્થળે સ્થિર છે. આગામી એક સપ્તાહ સુધી કોઈ નવી સિસ્ટમ બને તેવા સંકેતો ન મળતા, વરસાદ માટે ખેડૂતો અને સામાન્ય જનતાએ હજુ વધુ રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. દેશના 723 જિલ્લાઓમાંથી હાલ માત્ર 103 જિલ્લાઓમાં જ સામાન્ય વરસાદ નોંધાયો છે, જે ચોમાસાની અત્યાર સુધીની સુસ્ત ગતિ દર્શાવે છે.

એક તરફ ચોમાસાના વિલંબથી ખેતીકામ અટવાયા છે, તો બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં અસહ્ય ઉકળાટ અને ગરમીએ લોકોની હાલત કફોડી કરી નાખી છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે, રાહતના સમાચાર એ છે કે સ્થાનીય સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલમાં હવામાન વિભાગ દ્વારા સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ