એપીકે ફાઈલ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ રાજકોટ પોલીસના સકંજામાં

એપીકે ફાઈલ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ રાજકોટ પોલીસના સકંજામાં

રાજકોટ ,

૧૯ પ્રકારની એપીકે લિંક દ્વારા ૫૫થી વધુ ગુના આચરનાર ટોળકીના ચાર શખ્સો સળિયા પાછળ

ધોરાજીના સુપેડી ગામે રહેતા નિવૃત્ત કર્મચારી જયંતિલાલ ભેસદડિયાને લગ્નની કંકોતરીની એપીકે ફાઇલ મોકલીને રૂા. ૬.૭૫ લાખની ઠગાઈની ફરિયાદ રાજકોટ રૂરલ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. 

પોલીસે કોલકાતા, દાર્જિલિંગ અને કર્ણાટક ખાતે સફળ દરોડા પાડી મુખ્ય સૂત્રધાર મોહમ્મદ દાનીશ આલમગીર રીઝવી (રહે. કોલકાતા) ઉપરાંત મોહમ્મદ તૌસિફ રઝા, તેની પ્રેમિકા ઝોયા ખાન અને અય્યાઝ આલમ નામના આરોપીઓને ઝડપી લીધા છે. આ ટોળકી પશ્ચિમ બંગાળના કોલકાતાથી આ નેટવર્ક ઓપરેટ કરતી હતી અને લગ્નના આમંત્રણ, કુરિયર, વીજળીના બિલ તેમજ ઈ-ચલણ સહિત કુલ ૧૯ પ્રકારની ડેટા-હૈકિંગ એપીકે ફાઈલો બનાવીને લોકોના મોબાઈલ ફોન હેક કરતી હતી.

ઠગાઈથી મેળવેલા નાણાં મ્યુલ એકાઉન્ટમાં ફેરવીને આ આરોપીઓ જુદા-જુદા રાજ્યોમાંથી સોનાના સિક્કા અને ઘરેણા ખરીદીને તેમજ હવાલા મારફતે નાણાં વટાવતા હતા. સમગ્ર દેશમાં આ ગેંગ વિરુદ્ધ ૫૫થી વધુ એફઆઈઆર તેમજ એનસીસીઆરપી પોર્ટલ પર ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૧ મોબાઈલ ફોન, સોનાના ૧૩ સિક્કા, ચેઈન, રોકડા રૂા. ૧.૨૯ લાખ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ તથા સિમ કાર્ડ સહિત કુલ રૂા. ૧૮.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.