ત્રણ નવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં વરસી મેઘાવી આફત અનરાધાર Jul 08, 2026 અમદાવાદ,રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું રાજ્યમાં ચોમાસાએ પોતાનો આક્રમક મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં મેઘરાજાની ભારે બેટિંગને પગલે અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, હાલ રાજ્ય પર એકસાથે ત્રણ મહત્વની સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જોવા મળશે.સુરતમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત : સુરત-વલસાડમા આજે શાળા-કોલેજોમાં રજા જાહેરહવામાન નિષ્ણાતોના મતે, ગુજરાત પર ‘વેલ માર્ક લો પ્રેશર’, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ અને ત્રણ જેટલા ‘ટ્રફ’ એકસાથે સક્રિય થયા છે. આ ત્રણેય સિસ્ટમની સંયુક્ત અસરને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના પરિણામે સમગ્ર રાજ્યમાં મેઘમહેર થવાની પ્રબળ શક્યતાઓ છે.સુરત શહેરમાં માત્ર 6 કલાકના ટૂંકા ગાળામાં 10 ઇંચ અને 24 કલાકમાં 18 ઇંચ જેટલો જંગી વરસાદ નોંધાતા શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. સુરત અને વલસાડ જિલ્લાના તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આજે, 8 જુલાઈના રોજ તમામ શાળા, કોલેજો, આઈ.ટી.આઈ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે કોટમદાર ગામે આવેલી ખાડીમાં પૂર આવતા લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ વિસ્તારમાં કોઈ વૈકલ્પિક માર્ગ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય પર એકસાથે પાંચ જેટલી શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને કરંટને ધ્યાનમાં રાખી તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.બીજી તરફ, સતત વરસી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમ સહિતના જળાશયોમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે, જેને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે.પલસાણામાં સૌથી વધુ 18 અને કામરેજમાં 16 ઇંચ વરસાદપલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઈંચ અને કામરેજમાં 16 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ 13 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. નવસારી અને વલસાડ જિલ્લામાં પણ પરિસ્થિતિ ગંભીર છે, જ્યાં અનેક તાલુકાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.અત્યાર સુધીમાં કુલ 3400 નાગરિકોનું રેસ્ક્યુ: સુરતમાં બેના મોતઅત્યાર સુધીમાં કુલ 3400 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના 11 જળાશયોને હાલ 'હાઈ એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે. દરમિયાન, દુર્ભાગ્યવશ સુરતમાં વીજ કરંટ લાગવાને કારણે 2 વ્યક્તિઓના મોતની ઘટના પણ સામે આવી છે.દક્ષિણ ગુજરાતમાં પૂરના પાણીમાં 9ના મોતદક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ મન મૂકીને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક વિસ્તારોમાં છાતીસમા પાણી ભરાઈ જવાથી દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે મુખ્ય માર્ગો પર લોખંડની ગડરો અને વાહનો પાણીમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા છે.છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદસુરતના પલસાણામાં સૌથી વધુ 18.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કામરેજમાં 17.5 ઈંચ, નવસારીમાં 15.5 ઈંચ અને સુરત શહેરમાં 14.5 ઈંચ વરસાદ ખાબકતા ડાયમંડ સિટી સુરત બેટમાં ફેરવાઈ ગયું છે. ખાસ કરીને ઉધના, લિંબાયત અને સચિન જેવા વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મીઠીખાડી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી 4 ફૂટ સુધી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. ઇતિહાસમાં પ્રથમવાર મીઠીખાડી બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.ખાડીઓ ઓવરફ્લો થતા પોશ વિસ્તારોમાં પણ પાણીનો ભરાવોશહેરમાંથી પસાર થતી પાંચ મુખ્ય ખાડીઓમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ જળસંકટને કારણે માત્ર સ્લમ વિસ્તાર જ નહીં, પરંતુ શહેરના પોશ વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સુરતનું પ્રખ્યાત કાપડ માર્કેટ પણ બંધ રાખવાની ફરજ પડી છે. માર્કેટ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને વાહનવ્યવહાર ખોરવાતા વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. Previous Post Next Post