પડવલાની જે.કે. પોલીમર્સ અને ભરૂડીની એમ.એમ. ફોર્જિંગમાં ભીષણ આગ Sep 14, 2026 રાજકોટ,શાપર-વેરાવળ, રાજકોટ અને ગોંડલ ફાયર બ્રિગેડની ટીમોની કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયોરાજકોટ પંથકના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં આગની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. શાપર-વેરાવળ નજીક આવેલા પડવલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી 'જે.કે. પોલીમર્સ' નામની પ્લાસ્ટિક ફેક્ટરી અને ભરૂડી વિસ્તારમાં આવેલી 'એમ.એમ. ફોર્જિંગ' કંપનીમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.ગઈ કાલે વહેલી સવારે પડવલા ખાતેની જે.કે. પોલીમર્સ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ કારખાનાની અંદર પ્લાસ્ટિકનો જથ્થો અને કાચો માલ મોટા પ્રમાણમાં મોજૂદ હોવાને કારણે આગે ટૂંક સમયમાં જ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેને લઈને આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.પ્લાસ્ટિક અને કાચા માલના કારણે જે.કે. પોલીમર્સમાં આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ; કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડ્યાઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક શાપર-વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગની તીવ્રતા સતત વધતી હોવાથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાજકોટ અને ગોંડલ પંથકમાંથી પણ ફાયર ફાઇટર ટીમોને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ સતત કલાકોની ભારે જહેમત અને પાણીનો મારો ચલાવીને આખરે આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો.આગની આ ઘટનાઓમાં કંપનીઓનો મોટો જથ્થો અને સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું મનાઈ રહ્યું છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સદનસીબે, આ બંને ભીષણ દુર્ઘટનાઓમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અંકબંધ છે અને તંત્ર દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. Next Post