રાજકોટમાં 42 હજારથી વધુ ગ્રાહકો સ્માર્ટ મીટર સાથે કનેક્ટ Sep 15, 2026 રાજકોટ,પારદર્શક વીજ વપરાશ અને રિચાર્જ સુવિધાથી ગ્રાહકોમાં વધ્યો વિશ્વાસકેન્દ્ર સરકાર અને વીજ કંપનીઓની અદ્યતન ટેકનોલોજી આધારિત વીજ સુધારણા યોજના અંતર્ગત વીજ ક્ષેત્રે પારદર્શિતા અને સચોટતા લાવવા માટે શરૂ કરાયેલી સ્માર્ટ મીટર યોજનાને રાજકોટ જિલ્લામાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. વીજ ગ્રાહકો હવે પરંપરાગત પદ્ધતિઓને છોડીને ડિજિટલ અને સ્માર્ટ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છે, જેના પરિણામે રાજકોટ જિલ્લામાં સ્માર્ટ મીટર સ્વીકારનારા ગ્રાહકોનો આંકડો ૪૨ હજારને વટાવી ગયો છે.સ્માર્ટ મીટરના આગમનથી વીજ ગ્રાહકોની દૈનિક સમસ્યાઓ જેવી કે સમયસર રીડિંગ ન લેવાવું, ખોટા કે અંદાજિત બિલ આવવા અને બિલ ભરવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મોટી રાહત મળી છે. સ્માર્ટ પ્રીપેડ મીટરની મદદથી ગ્રાહકો મોબાઇલ ફોન દ્વારા જ પોતાના દૈનિક વીજ વપરાશનું રિયલ-ટાઇમ નિરીક્ષણ કરી શકે છે તેમજ પોતાની જરૂરિયાત મુજબ રિચાર્જ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. આ સરળ અને પારદર્શક વ્યવસ્થાના કારણે સામાન્ય નાગરિકોમાં આધુનિક મીટર પ્રત્યેનો ડર અને ગેરસમજો દૂર થઈ છે અને તેઓ સ્વૈચ્છિક રીતે સ્માર્ટ મીટર અપનાવી રહ્યા છે.પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા રાજકોટ જિલ્લામાં સ્માર્ટ મીટરની આ સફળ ઇન્સ્ટોલેશન પ્રક્રિયાને વેગ આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વીજ તંત્ર દ્વારા ગ્રાહકોને સ્માર્ટ મીટરના ફાયદાઓ સમજાવવા અને તેમની કોઈપણ પ્રકારની મૂંઝવણ કે શંકાઓનું ટેક્નિકલ માર્ગદર્શન દ્વારા નિરાકરણ લાવવા માટે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ ડિજિટલ નેટવર્કનો વ્યાપ વધુ વિસ્તૃત કરીને જિલ્લાના તમામ વિસ્તારોમાં વીજ સેવાઓને વધુ આધુનિક, ઝડપી અને ગ્રાહક કેન્દ્રિત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. Previous Post Next Post