દિવાળીના એડવાન્સ બુકિંગમાં મોટાભાગની ટ્રેનો હાઉસફુલ

દિવાળીના એડવાન્સ બુકિંગમાં મોટાભાગની ટ્રેનો હાઉસફુલ

રાજકોટ,

ભક્તિનગર સ્ટેશને ઓનલાઇન પેમેન્ટ બંધના નિર્ણયથી મુસાફરો મુશ્કેલીમાં

તહેવારોની મોસમ નજીક આવતાં જ રેલવે મુસાફરોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરો દ્વારા અગાઉથી જ કરવામાં આવી રહેલા એડવાન્સ ટિકિટ બુકિંગમાં મોટા ભાગની લોકપ્રિય અને મહત્વપૂર્ણ ટ્રેનો અત્યારથી જ 'હાઉસફુલ' થઈ ગઈ છે. જેના કારણે વતન કે અન્ય સ્થળોએ જવા માટે પ્રવાસનું આયોજન કરી રહેલા સામાન્ય નાગરિકોને કન્ફર્મ ટિકિટ મેળવવા માટે ભારે ફાંફાં મારવા પડી રહ્યા છે.

એક તરફ ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાંબું થઈ રહ્યું છે અને સીટો મેળવવી મુશ્કેલ બની છે, ત્યારે બીજી તરફ રેલવે વહીવટી તંત્રની અણઘડ વ્યવસ્થાઓ અને મનસ્વી નિર્ણયોએ મુસાફરોની મુશ્કેલીઓમાં ઓર વધારો કર્યો છે. તાજેતરમાં ભક્તિનગર રેલવે સ્ટેશન પર ટિકિટ બુકિંગ વિન્ડો પર અચાનક જ 'ઓનલાઇન પેમેન્ટ' સ્વીકાર ન કરવાનો મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અણધાર્યા અને અચાનક લેવાયેલા નિર્ણયના કારણે કાઉન્ટર પર ટિકિટ કઢાવવા માટે લાંબી કતારો લગાવીને ઊભેલા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ડિજિટલ યુગમાં અનેક લોકો કેશ વગર માત્ર ઓનલાઇન પેમેન્ટ (UPI કે કાર્ડ) પર નિર્ભર હોય છે, ત્યારે સ્ટેશન પર અચાનક ઓનલાઇન પેમેન્ટ લેવાનું બંધ કરાતા મુસાફરો અને રેલવે કર્મચારીઓ વચ્ચે બોલાચાલી અને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. રોકડ રકમ સાથે ન રાખનાર અથવા ઓનલાઇન ચૂકવણી કરવા ટેવાયેલા મુસાફરો ટિકિટ વગર જ રઝળી પડ્યા હતા અને સ્ટેશન પર ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.

તહેવારોની મોસમના એડવાન્સ બુકિંગ ટાણે રેલવે તંત્ર દ્વારા આવી અગવડભરી નીતિઓ અપનાવવામાં આવતા પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરો અને સ્થાનિક નાગરિકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી અસુવિધા ન સર્જાય તે માટે ઓનલાઇન પેમેન્ટ સહિતની સુવિધાઓ વહેલી તકે સુચારુ રૂપે શરૂ કરવામાં આવે અને તહેવારોની ભીડને પહોંચી વળવા માટે વિશેષ (સ્પેશિયલ) ટ્રેનોનું આયોજન કરવામાં આવે.

You may also like

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ