છોટાઉદેપુર પાલિકામાં પ્રમુખની વરણીના ૩ કલાકમાં જ ભાજપમાં ખુલ્લો બળવો Oct 22, 2026 છોટા ઉદેપુર,ઉપપ્રમુખ સહિત ૧૭ સભ્યોએ સંગઠન સામે મોરચો માંડી ચીફ ઓફિસરને પાઠવ્યો લેખિત પત્રછોટાઉદેપુર નગરપાલિકાના નવા પ્રમુખની વરણી થયાના માત્ર ત્રણ જ કલાકના ટૂંકા સમયગાળામાં નવા પ્રમુખની પસંદગી સામે ભારે અસંતોષ ફેલાતા, પાલિકાના ઉપપ્રમુખ સહિત કુલ ૧૭ નગરપાલિકા સભ્યોએ ભાજપ સંગઠન સામે ખુલ્લો બળવો પોકાર્યો છે. આ તમામ અસંતુષ્ટ સભ્યોએ એકજૂથ થઈને છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિકકુમાર બરજોડેને એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે બહુમતી સભ્યોની પૂર્વ મંજૂરી કે સંમતિ વગર વિકાસના કોઈ પણ નવા કામોના બિલ પાસ કરવામાં ન આવે તેમજ કર્મચારીઓની નવી ભરતી જેવી પ્રક્રિયાઓ પણ ન હાથ ધરવામાં આવે.ચીફ ઓફિસર ભાવિકકુમાર બરજોડે જણાવ્યું છે કે હાલ પાલિકામાં અંદાજે ૮ કરોડ રૂપિયા જેટલા વિકાસના કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ ૧૭ સભ્યોની સ્પષ્ટ બહુમતી અને તેમની સહીઓ જોતાં વહીવટી નિયમો મુજબ સભ્યોની મંજૂરી વિના કોઈપણ પ્રકારનું પેમેન્ટ કે નાણાકીય વ્યવહાર કરવો શક્ય નથી. જો નવા પ્રમુખે પોતાની સત્તાનો અમલ કરવો હશે તો પણ આ ૧૭ સભ્યોની લેખિત સંમતિ મેળવવી અનિવાર્ય બનશે. પ્રમુખની તાજપોશીના ગણતરીના કલાકોમાં જ શાસક પક્ષમાં સર્જાયેલા આ આંતરિક વિખવાદ અને બળવાને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. Previous Post Next Post