રહેણાંક સોસાયટીઓમાં મેન્ટેનન્સ વિવાદ પર રેરાનો સ્પષ્ટ ચુકાદો, ન વેચાયેલા ફ્લેટની લાઇફટાઇમ ડિપોઝીટ બિલ્ડરે નહીં ભરવી Feb 09, 2026 રાજ્યભરની રહેણાંક સોસાયટીઓમાં લાંબા સમયથી ચાલી આવતા મેન્ટેનન્સ ડિપોઝીટ અને ન વેચાયેલા ફ્લેટોની જવાબદારી અંગેના વિવાદ પર હવે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GUJRERA) દ્વારા મહત્વપૂર્ણ અને સ્પષ્ટ ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદો બિલ્ડર, સોસાયટી અને ફ્લેટ ખરીદનાર—ત્રણે માટે માર્ગદર્શક સાબિત થશે.તાજેતરમાં રેરા દ્વારા આપવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ન વેચાયેલા ફ્લેટની લાઇફટાઇમ મેન્ટેનન્સ ડિપોઝીટ બિલ્ડરે ભરવાની નથી, પરંતુ જ્યારે ફ્લેટનું વેચાણ થાય ત્યારે ફ્લેટ ખરીદનાર પાસેથી જ આ ડિપોઝીટ વસૂલવાની રહેશે. જોકે, ફ્લેટ ન વેચાય ત્યાં સુધી તેનું માસિક રનિંગ મેન્ટેનન્સ બિલ્ડરે સોસાયટીને ચૂકવવું ફરજિયાત રહેશે. મેન્ટેનન્સ ડિપોઝીટ અને રનિંગ મેન્ટેનન્સ વચ્ચેનો તફાવતરેરાએ પોતાના ચુકાદામાં આ બંને મુદ્દાઓ વચ્ચેનો સ્પષ્ટ તફાવત સમજાવ્યો છે. લાઇફટાઇમ મેન્ટેનન્સ ડિપોઝીટ એક વખત ચૂકવવાની હોય છે, જે સામાન્ય રીતે ફ્લેટ ખરીદનાર પાસેથી લેવામાં આવે છે. જ્યારે રનિંગ મેન્ટેનન્સ એ દર મહિને થતો ખર્ચ છે, જે ફ્લેટ વપરાશમાં ન હોય ત્યારે પણ સોસાયટીના દૈનિક ખર્ચ માટે જરૂરી હોય છે. વડોદરાની ‘શિવાય એપાર્ટમેન્ટ’ કેસનો સંદર્ભઆ મહત્વપૂર્ણ ચુકાદો વડોદરાના અમિતનગર સર્કલ પાસે આવેલી ‘શિવાય’ નામની રહેણાંક એપાર્ટમેન્ટના કેસમાં આપવામાં આવ્યો છે. સોસાયટીના ઉપપ્રમુખ દ્વારા બિલ્ડર સામે વિવિધ મુદ્દાઓ અંગે રેરામાં અરજી કરવામાં આવી હતી. કેસની સુનાવણી GUJRERAના પ્રિસાઇડીંગ ઓફિસર્સ ડો. એમ.ડી. મોડિયા અને એમ.એ. ગાંધી દ્વારા કરવામાં આવી હતી.કેસમાં મુખ્ય મુદ્દો એવો હતો કે, શિવાય એપાર્ટમેન્ટનો મૂળ પ્લાન 52 ફ્લેટનો હતો, પરંતુ બિલ્ડરે બે ફ્લેટનું બાંધકામ પૂર્ણ કર્યું નહોતું. સોસાયટીએ આ બંને ન બનેલા ફ્લેટ માટે રૂ. 4 લાખ જેટલી લાઇફટાઇમ મેન્ટેનન્સ ડિપોઝીટ બિલ્ડર પાસેથી માગી હતી. રેરાનો સ્પષ્ટ અભિપ્રાયબિલ્ડર તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ ફ્લેટો સેમી-ફિનિશ હાલતમાં છે અને યોગ્ય ખરીદનાર મળે ત્યારે કામ પૂર્ણ કરીને વેચવામાં આવશે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રેરાએ સ્પષ્ટ ઠરાવ્યું કે મેન્ટેનન્સ ડિપોઝીટ પ્રમોટર દ્વારા નહીં, પરંતુ ફ્લેટના માલિક દ્વારા ચૂકવવાની હોય છે. તેથી ભવિષ્યમાં જ્યારે આ ફ્લેટો વેચાશે, ત્યારે સોસાયટી આ ડિપોઝીટ સીધી ફ્લેટ ખરીદનાર પાસેથી વસૂલ કરી શકશે. અમદાવાદના ‘કાસા વ્યોમા’ કેસનો ઉલ્લેખરેરાએ અગાઉ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ‘કાસા વ્યોમા’ રહેણાંક સ્કીમના કેસમાં પણ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ન વેચાયેલા યુનિટ્સનું રનિંગ મેન્ટેનન્સ બિલ્ડરે ચૂકવવું પડશે. આ બંને ચુકાદાઓને જોડીને જોવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે, લાઇફટાઇમ ડિપોઝીટ ખરીદનારની જવાબદારી છે, જ્યારે રનિંગ મેન્ટેનન્સ બિલ્ડરની. ડિપોઝીટમાંથી રકમ કાપવાના મુદ્દે પણ સ્પષ્ટતાકેસમાં એક અન્ય મુદ્દો એવો પણ હતો કે બિલ્ડરે કુલ 50 ફ્લેટ માટે ભરવાની મેન્ટેનન્સ ડિપોઝીટમાંથી રૂ. 10 લાખ ઓછા જમા કરાવ્યા હતા. સોસાયટીનો દાવો હતો કે આ રકમ પરત અપાવવી જોઈએ. જોકે, બિલ્ડરે દલીલ કરી હતી કે તેમણે સોસાયટીના મેન્ટેનન્સ પેટે રૂ. 4.35 લાખનો ખર્ચ કર્યો છે અને તેના બિલો રજૂ કર્યા હતા. સાથે જ રૂ. 5.65 લાખ સોસાયટીના સભ્યો પાસેથી લેણી નીકળતી હોવાનું પણ જણાવાયું હતું.રેરાએ આ દલીલોને માન્ય રાખીને ઠરાવ્યું હતું કે ડિપોઝીટમાંથી રૂ. 10 લાખની કપાત ખોટી નથી, અને બાકી લેણી રકમ સોસાયટી દ્વારા તેના સભ્યો પાસેથી વસૂલવાની રહેશે. સોસાયટી હેન્ડઓવર સમયે મહત્વપૂર્ણ માર્ગદર્શનઆ ચુકાદા પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે જો શરૂઆતમાં બિલ્ડર સોસાયટીનું મેન્ટેનન્સ સંભાળી રહ્યો હોય અને સભ્યોના બાકી નાણાં હોય, તો હેન્ડઓવર સમયે બિલ્ડર તે રકમ ડિપોઝીટમાંથી કાપી શકે છે. આવી સ્થિતિમાં બાકી નાણાં વસૂલવાની જવાબદારી સોસાયટીની રહેશે. રહેવાસીઓના અન્ય આક્ષેપોરહેવાસીઓ દ્વારા બાંધકામમાં નબળી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગ અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા, જો કે આ મુદ્દાઓ અલગ પ્રક્રિયા હેઠળ નક્કી થવાના રહેશે.આ રીતે, રેરાનો આ ચુકાદો રહેણાંક સોસાયટીઓમાં મેન્ટેનન્સ સંબંધિત ગૂંચવણો દૂર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને ભવિષ્યમાં થતા વિવાદોને અટકાવવામાં માર્ગદર્શક ભૂમિકા ભજવશે. Previous Post Next Post