બર્ફીલા પવનોમાં ઠીંગરાતું સૌરાષ્ટ્ર-કચ્છ, ગિરનાર 5.2 ડિગ્રી : રોપ-વે બંધ, ઠંડાપવનોનું જોર યથાવત

બર્ફીલા પવનોમાં ઠીંગરાતું સૌરાષ્ટ્ર-કચ્છ, ગિરનાર 5.2 ડિગ્રી : રોપ-વે બંધ, ઠંડાપવનોનું જોર યથાવત

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આજે પણ ઉત્તર-પૂર્વ દિશાથી ફુંકાતા બર્ફીલા પવનોના સુસવાટા વચ્ચે હાડ ધ્રુજાવી દે તેવી ઠંડી અનુભવાઈ હતી. સવારથી જ 8 થી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડોબોળ પવન ફુંકાતાં લોકો ઠંડીમાં ઠીંગરાતા જોવા મળ્યા હતા. ભારે ઠંડીના પગલે જનજીવન પર અસર જોવા મળી હતી અને સવારના સમયે રાજમાર્ગો પર વાહનવ્યવહાર પણ સામાન્ય કરતાં ઓછો રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ઠંડા પવનોનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
 

ગિરનાર જાણે હિમપર્વત બન્યો, રોપ-વે બંધ

ભારે ઠંડા પવનના પ્રભાવ હેઠળ જૂનાગઢનો ગિરનાર પર્વત આજે જાણે કે હિમાલયી વિસ્તાર બની ગયો હોય તેમ લાગ્યો હતો. ગિરનાર ઉપર સવારના સમયે લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી જતા ઠંડીની તીવ્રતા વધી ગઈ હતી. આ કારણે વન્ય જીવો તેમજ પશુ-પક્ષીઓ થથરી ઉઠ્યા હતા. ઝડપી અને ઠંડા પવનના પગલે સુરક્ષાના કારણોસર ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. જૂનાગઢ શહેરમાં પણ આજે સવારે 7.2 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું હતું.
 

નલિયા સૌથી ઠંડુ શહેર

આજરોજ પણ રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. કચ્છ વિસ્તારમાં સતત ફુંકાતા ઠંડા પવનને કારણે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લેતા જોવા મળ્યા હતા.
 

રાજકોટમાં 10.5 ડિગ્રી, કડકડતી ઠંડી

રાજકોટ શહેરમાં આજે સવારે ઠંડાબોળ પવન સાથે લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું. પવનની સુસવાટા સાથે ઠંડી વધુ અનુભવાતી હોવાથી વહેલી સવારમાં લોકો ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળતા જોવા મળ્યા હતા. ગરમ કપડાં, મફલર અને સ્વેટર વિના બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.
 

અન્ય શહેરોમાં તાપમાનની સ્થિતિ

રાજ્યના વિવિધ શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું હતું. આજે સવારે પોરબંદરમાં 12.5, વેરાવળમાં 14.7, ઓખામાં 18, સુરતમાં 14.6, અમદાવાદમાં 12.8, અમરેલીમાં 11.6, વડોદરામાં 13.8, ભાવનગરમાં 15.2, ભુજમાં 11.2, દમણમાં 15.4, ડિસામાં 11.3, દિવમાં 11.9, દ્વારકામાં 14.1, ગાંધીનગરમાં 14.5 તેમજ કંડલા ખાતે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
 

ગોહિલવાડમાં ઠંડીમાં થોડી રાહત, પવનથી અહેસાસ યથાવત

ગોહિલવાડ પંથકમાં ઠંડીનું જોર થોડું ઘટ્યું હોવાનું જણાયું હતું, પરંતુ પવનની ઝડપ વધતા ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો હતો. ભાવનગર શહેરમાં આજે લઘુત્તમ તાપમાન વધીને 15.2 ડિગ્રી નોંધાયું હતું. સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા હતું, જ્યારે પવનની ઝડપ 22 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી.
 

જામનગરમાં ઉતાર-ચઢાવ, પવનથી ઠંડી વધુ

જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક ઠંડીમાં વધારો તો ક્યારેક થોડી રાહત અનુભવાઈ રહી છે, પરંતુ સૂસવાટા મારતા ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ વધુ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન પવનની ગતિમાં 3 કિમીનો વધારો થયો હતો, જેના કારણે શહેરીજનો ધ્રુજી ઉઠ્યા હતા.

લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીના વધારા સાથે પારો 13 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીના ઘટાડા સાથે 24.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 8 કિમી નોંધાઈ હતી.
 

હજુ સપ્તાહભર ઠંડી યથાવત રહેવાની શક્યતા

હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર-પૂર્વના પવનો ચાલુ રહેતાં આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને વહેલી સવાર અને રાત્રિના સમયે લોકો વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ