એર ઈન્ડિયાના વિમાનોમાં ગંભીર ખામીઓનો ખુલાસો: દર 10માંથી 7 વિમાનો ટેક્નિકલ રીતે અસ્વસ્થ, સંસદમાં ચોંકાવનારા આંકડા રજૂ Feb 06, 2026 કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓએ દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ચિંતાનું માહોલ ઊભું કર્યું છે. સરકારના જણાવ્યા મુજબ, એર ઈન્ડિયાના વિમાનોમાં ટેક્નિકલ ખામીઓની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, એર ઈન્ડિયાના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ પ્રકારની ટેક્નિકલ ગરબડ નોંધાઈ છે. એટલે કે, આશરે 70 ટકા વિમાનો ટેક્નિકલ રીતે સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી, જે મુસાફરોની સુરક્ષા અને એરલાઇનની કામગીરી બંને માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં પૂછાયેલા એક લેખિત પ્રશ્નના જવાબમાં આ વિગતો જાહેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025થી લઈને 3 ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળામાં દેશની વિવિધ એરલાઇન્સના કુલ 377 વિમાનોમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ નોંધાઈ છે. આ તમામમાં સૌથી વધુ ખામીઓ એર ઈન્ડિયાના વિમાનોમાં સામે આવી છે.સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, એર ઈન્ડિયાના 166 વિમાનોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 137 વિમાનોમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ જોવા મળી. આ આંકડો ટકાવારીમાં જોવામાં આવે તો 80 ટકાથી વધુ થાય છે, જે એરલાઇનની જાળવણી અને ટેક્નિકલ મેનેજમેન્ટ પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકે છે.માત્ર એર ઈન્ડિયા જ નહીં, પરંતુ તેની સહાયક એરલાઇન એર ઈન્ડિયા એક્સપ્રેસની સ્થિતિ પણ ચિંતાજનક છે. તપાસ કરાયેલા 101 વિમાનોમાંથી 54 વિમાનોમાં ટેક્નિકલ ખામીઓ નોંધાઈ છે. એટલે કે, અડધાથી વધુ વિમાનોમાં સમસ્યાઓ જોવા મળી છે.અન્ય એરલાઇન્સની વાત કરીએ તો, સ્પાઈસ જેટના 43 વિમાનોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 16 વિમાનોમાં વારંવાર ગરબડ હોવાનું સામે આવ્યું છે. જ્યારે નવી એરલાઇન અકાસા એરના 32 વિમાનોમાંથી 14 વિમાનોમાં પણ ટેક્નિકલ ખામીઓ નોંધાઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે સમસ્યા માત્ર એક એરલાઇન સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ઉડ્ડયન ક્ષેત્રમાં ટેક્નિકલ જાળવણીને લઈને વધુ કડક દેખરેખની જરૂરિયાત છે.આ સમયગાળા દરમિયાન, નાગરિક ઉડ્ડયન સુરક્ષા નિયમનકારી સંસ્થા ‘ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન’ (DGCA) દ્વારા 3,890 સર્વેલન્સ નિરીક્ષણો કરવામાં આવ્યા હતા. DGCA દ્વારા એરલાઇન્સ, વિમાનો અને એરપોર્ટ ઓપરેટરો પર સતત નજર રાખવામાં આવે છે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.મંત્રી મોહોલે સંસદમાં વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ફ્લાઇટ્સમાં ટેક્નિકલ ખામીઓના કુલ કેસોમાં ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024માં ટેક્નિકલ ખામીના કુલ 421 કેસ નોંધાયા હતા, જ્યારે તેના અગાઉના વર્ષમાં આ આંકડો 448 હતો. ગયા વર્ષે આ સંખ્યા ઘટીને 353 પર પહોંચી હતી, જે સુધારાની દિશામાં એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે.DGCA પાસે સુરક્ષા માટે એક સુવ્યવસ્થિત મોનીટરિંગ સિસ્ટમ કાર્યરત છે. આ અંતર્ગત અચાનક તપાસ, નિયમિત ઓડિટ અને રેગ્યુલેટરી ચકાસણી કરવામાં આવે છે. જો તપાસ દરમિયાન કોઈ ખામી અથવા નિયમોના ઉલ્લંઘનના કેસ સામે આવે, તો સંબંધિત એરલાઇનને તરત જ સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવે છે. ગંભીર કિસ્સાઓમાં DGCA દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તમામ એરલાઇન્સ માટે નાની-મોટી દરેક ટેક્નિકલ ઘટના અંગે DGCAને જાણ કરવી ફરજિયાત છે. આ પ્રક્રિયા દ્વારા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં ગંભીર અકસ્માતો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં, એર ઈન્ડિયાના વિમાનોમાં સામે આવેલા આ ઊંચા આંકડાઓએ મુસાફરોમાં ચિંતા વધારી છે અને એરલાઇન મેનેજમેન્ટ પાસેથી ઝડપી અને અસરકારક સુધારાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. Previous Post Next Post