જંગલેશ્વર ડિમોલિશન પૂર્વે તણાવ ચરમસીમાએ, આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

જંગલેશ્વર ડિમોલિશન પૂર્વે તણાવ ચરમસીમાએ, આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે હાથ ધરાનારી ડિમોલિશન કામગીરી પહેલાં જ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. તંત્ર દ્વારા નદી પટ્ટા અને ટીપી રોડ ઉપર આવેલા દબાણો દૂર કરવાની જાહેરાત પછી સ્થાનિકોમાં ભય, રોષ અને અનિશ્ચિતતાનો માહોલ છવાઈ ગયો છે. કેટલાક રહીશો મજબૂરીમાં પોતાના મકાનો જાતે જ તોડવા લાગ્યા છે, જ્યારે અનેક પરિવારો ખુલ્લેઆમ તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

અચાનક મળેલી નોટિસ પછી અનેક પરિવારો ઘરવખરી, અનાજ અને જરૂરી સામાન રસ્તા પર મૂકી રહ્યા છે. મહિલાઓ અને બાળકોમાં ખાસ કરીને ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી અહીં વસવાટ કરી રહ્યા છીએ, અચાનક ઘર ખાલી કરવાની સૂચના આપવામાં આવે તો ક્યાં જઈએ? અગાઉ વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હાલ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કેટલાક પરિવારોનો આક્ષેપ છે કે હવે તો આસરો આપવાની પણ ના પાડી દેવામાં આવી છે.

ડિમોલિશન પૂર્વે સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહેલી સવારથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગનો સ્ટાફ પણ સ્થળ પર તૈનાત છે. વિસ્તારને નો-ફ્લાઇંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. સમગ્ર જંગલેશ્વર વિસ્તાર હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોય તેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે નદી પટ્ટા અને ટીપી રોડ ઉપરના 1400થી વધુ મકાનો અને દુકાનોનું ડિમોલિશન કરવામાં આવશે. આ કામગીરી માટે 700થી 800 કર્મચારીઓ તૈનાત રહેશે અને પોલીસ ફોર્સની મદદ લેવામાં આવશે. લોકો સ્વૈચ્છિક રીતે મકાનો ખાલી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. જે લોકો હજી મકાન ખાલી નથી કરતા તેમને સમજાવવામાં આવી રહ્યા છે. લોકોને ઘરવખરી ખસેડવામાં મદદરૂપ થવા માટે ટ્રેકટરની સુવિધા પણ આપવામાં આવી રહી છે. સમગ્ર કામગીરી સાત સેક્ટરમાં વહેંચવામાં આવી છે અને કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. કમિશ્નરે જણાવ્યું કે તેઓ પોતે કન્ટ્રોલ રૂમમાં બેસી કામગીરી પર નજર રાખશે.
 


બીજી તરફ, સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોએ ચેતવણી આપી છે કે જો જેસીબી આવશે તો તેઓ તેના આગળ સૂઈ જશે, પરંતુ પોતાનું ઘર ખાલી નહીં કરે. અનેક પરિવારોનું કહેવું છે કે તેઓ ભાડે રહે છે અને હવે ભાડે મકાન પણ મળતું નથી. જો અગાઉ આરએમસી દ્વારા દબાણો દૂર કરાયા હતા, તો ફરી બાંધકામો કેવી રીતે થયા? શું તંત્રને તેની જાણ નહોતી? આવા સવાલો પણ ઉઠી રહ્યા છે. મકાનો ભાડે આપી વર્ષો સુધી કમાણી કરનારાઓ સામે કાર્યવાહી કેમ થતી નથી તે મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે.

જંગલેશ્વરમાં હાલ એક તરફ ડિમોલિશનની તૈયારી છે તો બીજી તરફ લોકોની આંખોમાં ભવિષ્યની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. રાતોરાત પોતાનું ઘર ગાયબ થઈ જશે તે વિચારથી અનેક પરિવારો ઊંડા આઘાતમાં છે. સામાજિક સંગઠનો અને સ્થાનિક નાગરિકો પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

હવે સૌની નજર સોમવારે થનારી કાર્યવાહી પર છે. શું તંત્ર લોકોની માંગ મુજબ વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરશે કે કડક પગલાં સાથે ડિમોલિશન હાથ ધરશે? હાલ જંગલેશ્વર વિસ્તારમાં ભય, તણાવ અને વિરોધનો માહોલ છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી દિશામાં વળે છે તે મહત્વપૂર્ણ બનશે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ