પ. બંગાળમાં બલિ પ્રથાને લઈને કરેલી વાતનું વતેસર થયું: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી Sep 11, 2026 નવી દિલ્હી,લોકોના ખાનપાન પર કોઈ પ્રતિબંધ ન લગાવી શકેપશ્ચિમ બંગાળના પોતાના પ્રવાસ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુર્ગા પૂજા, માંસાહારી ભોજન તેમજ બલિ પ્રથાને લઈને કેટલાક એવા નિવેદનો આપ્યા હતા. જેના પછી ટીએમસી અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો આ નિવેદન પછી ખૂબ જ આક્રમક વલણ અપનાવીને સતત તેમનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે, સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં હાજર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ સમગ્ર વિવાદ પર એક વીડિયોના માધ્યમથી ખુલીને પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે.તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમનો ઇરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈના ખાનપાન પર પ્રતિબંધ મૂકવાનો બિલકુલ નહોતો, પરંતુ તેમણે માત્ર ધાર્મિક મર્યાદા અને જીવ હિંસાના વિરોધમાં પોતાની વાત રાખી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે તેઓ પશ્ચિમ બંગાળથી પાછા ફર્યા ત્યાર બાદ તેમના નિવેદનોના અર્થનો અનર્થ કાઢવામાં આવવા લાગ્યો. તેમણે કહ્યું કે, આજ દિન સુધી ક્યારેય કોઈના વ્યક્તિગત ખાનપાન કે પહેરવેશ પર કોઈ ટિપ્પણી કરી નથી. પોતાની વાતને સ્પષ્ટ કરતા તેમણે કહ્યું, “અમે તો ફક્ત દુર્ગા પૂજાના સંદર્ભમાં એટલી જ વાત કહી હતી કે પવિત્ર તહેવાર દરમિયાન દેવી પંડાલોની આસપાસ પવિત્રતા અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પંડાલોની નીચે માંસ કે માંસાહારી ભોજનનું સેવન કરવાથી બચવું જોઈએ. જો કોઈને માંસાહારી ભોજન કરવું જ હોય, તો તેઓ પોતાના ઘરની અંદર કરી શકે છે.”તેમણે વધુમાં કહ્યું, “આપણે કોઈના ખાવાના અધિકાર પર કેવી રીતે પ્રતિબંધ મૂકી શકીએ? લોકો કેવી રીતે જીવે છે અથવા શું ખાય-પીવે છે તેમાં દખલ કરવાનો આપણને શું અધિકાર છે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે દરેક જીવમાં શિવનો વાસ હોય છે અને આ સૃષ્ટિના દરેક નાના-મોટા જીવને જીવવાનો પૂર્ણ અધિકાર છે. આ જ વૈચારિક પૃષ્ઠભૂમિ હેઠળ તેમણે ત્યાંની બલિ પ્રથા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો હતો. જે માતા પોતાના જ કોઈ નિર્દોષ દીકરાની બલિ લઈ લે, તેને આપણે માતા કેવી રીતે માની શકીએ? જો માતાને જ બલિ લેવી હશે, તો તે જાતે જ લઈ લેશે, તેના માટે તમારે કોઈ જીવને કાપવાની શી જરૂર છે? તમે ખુદ પોતાના સ્વાર્થ માટે તે બેજુબાનને કાપી રહ્યા છો.”પોતાની ટીકા કરનારાઓને જવાબ આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ નોંધ્યું કે ઘણા લોકોએ તેમના નિવેદનોને તોડી-મરોડીને રજૂ કર્યા છે અને એવી વાત ફેલાવી છે કે ‘બાગેશ્વર બાબા’ બંગાળીઓને ઉપદેશ આપી રહ્યા છે. તેમણે કહ્યું, “મિત્રો, હું બંગાળીઓથી અલગ નથી; હું પણ ભારતની આ જ ભૂમિનો નિવાસી છું. હું સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામકૃષ્ણ પરમહંસના આદર્શોને અનુસરનારો છું. તેમ છતાં, મારે જીવો પ્રત્યેની હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવો જ પડે, કારણ કે મારો ધર્મ અને શાસ્ત્રો મને એ જ શીખવે છે.બીજી તરફ પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ મુદ્દે ઘમાસણ ચાલુ છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહાસચિવ આશુતોષ ચેટરજીના નેતૃત્વમાં થોડા સમય પહેલા ભવાનીપુર પોલીસ સ્ટેશનની બહાર ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમની તસવીરો પણ સળગાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ પર રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે.વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન બોલતા, સુવેન્દુ અધિકારીએ વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે પોલીસ વહીવટીતંત્રને સ્પષ્ટ સૂચના આપી કે આવી અરાજકતા ફેલાવનારાઓ અને એક સંતના ફોટોગ્રાફ્સ સળગાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમણે વધુમાં ટિપ્પણી કરી કે રાજ્યમાં લાંબા સમયથી ચાલી આવતું તુષ્ટિકરણનું રાજકારણ હવે સહન કરવામાં આવશે નહીં. આ ગરમાગરમ વિવાદ વચ્ચે બંગાળમાં રાજકીય તણાવ યથાવત છે. Previous Post Next Post