કેન્દ્રીય મંત્રીઓને દિલ્હી ન છોડવા આદેશ: કેબિનેટમાં વ્યાપક ફેરબદલના એંધાણ Sep 17, 2026 નવી દિલ્હી ,23-24 સપ્ટેમ્બરે આયોજિત ચિંતન બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રીઓની સામેલગીરી અંગે સ્પષ્ટતા નહીવડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 અને 24 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીઓ સાથે બે દિવસીય મહત્ત્વપૂર્ણ 'ચિંતન બેઠક' યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં દેશમાં સુધારાઓ, સરકારી યોજનાઓ, નીતિઓ, મંત્રાલયો વચ્ચેના પરસ્પર તાલમેલ અને આગામી સમયની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ બેઠક માટે તમામ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓને આગામી અઠવાડિયે દિલ્હીમાં જ ઉપસ્થિત રહેવાના કડક નિર્દેશો આપવામાં આવ્યા છે, જેના પરથી લાગી રહ્યું છે કે મોદી કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. જો કે રાજ્ય કક્ષાના મંત્રીઓ આ બેઠકમાં સામેલ થશે કે નહીં તેને લઈને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.આ બેઠક દરમિયાન કેટલાક મંત્રીઓ પોતપોતાના મંત્રાલયોમાં કરવામાં આવેલા કામો અને વિવિધ ક્ષેત્રોમાં લાવવામાં આવેલા સુધારાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી શકે છે. આ બેઠકનો મુખ્ય હેતુ સરકારી નીતિઓને વધુ પ્રભાવશાળી બનાવવાનો અને તેના ફાયદાઓ આમ જનતા સુધી ખૂબ જ ઝડપથી પહોંચાડવાનો છે. પીએમ મોદી અગાઉ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવું અને તેમનું જીવન સરળ બનાવવું એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.'ચિંતન બેઠક'માં કેન્દ્ર સરકારની જુદી-જુદી યોજનાઓની પ્રગતિ અને જમીની સ્તર પર તેના અમલીકરણની પણ ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. યોજનાઓનો લાભ લોકોને વધુ સારી રીતે કેવી રીતે મળી શકે તે અંગે મંથન થશે. આ ઉપરાંત, સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા અને અલગ-અલગ મંત્રાલયો વચ્ચે ઉત્તમ સમન્વય સુનિશ્ચિત કરવાના ઉપાયો પર પણ ચર્ચા થવાની પ્રબળ સંભાવના છે.બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં સમય વ્યવસ્થાપન, મંત્રાલયો વચ્ચેનો સમન્વય અને નીતિ નિર્માણની પ્રક્રિયાને વધુ વેગ આપવા જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવશે. અત્યાર સુધી થયેલા કામોની સમીક્ષાની સાથેસાથે આગામી પ્રાથમિકતાઓ અને સરકારના નવા રોડમેપ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શાસન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો અને સુધારાઓને ઝડપી ગતિ આપવાનો છે.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ પીએમ મોદીએ સરકારના રાજ્ય મંત્રીઓ સાથે પણ એક લાંબી બેઠક યોજી હતી, જેમાં મંત્રાલયોના કામકાજ અને અત્યાર સુધીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, કામની ઝડપ, ફાઈલોનો નિકાલ અને અદાલતોમાં પેન્ડિંગ રહેલા સરકારી કેસો જેવા વિવિધ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને મંત્રાલયોની રેન્કિંગ પણ તૈયાર કરવામાં આવી છે. હાલમાં આ 'ચિંતન બેઠક' એવા સમયે યોજાઈ રહી છે જ્યારે મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ છે, તેમજ સંસદનું વિશેષ સત્ર બોલાવીને કેટલાક મહત્ત્વપૂર્ણ બિલ પર વિચારણા કરવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. Previous Post Next Post