મહારાષ્ટ્રમાં શોકની લહેર: વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન, રાજકારણનો એક યુગ અચાનક સમાપ્ત

મહારાષ્ટ્રમાં શોકની લહેર: વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન, રાજકારણનો એક યુગ અચાનક સમાપ્ત

મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે એક હૃદયવિદારી સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થતાં સમગ્ર દેશના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લહેર ફરી વળી છે. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું, જેમાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અજિત પવાર મુંબઈમાં કેબિનેટ બેઠકમાં ભાગ લીધા બાદ બારામતી જવા માટે એક ખાનગી ચાર્ટર્ડ વિમાનમાં રવાના થયા હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ સમયે અચાનક તકનિકી ખામી સર્જાઈ અને વિમાન રનવે પર જ દુર્ઘટનાનો શિકાર બન્યું. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને થોડા જ સમયમાં આખું વિમાન બળીને ખાખ થઈ ગયું. ઘટનાસ્થળના દૃશ્યો અત્યંત ભયાનક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેને જોઈને સ્થાનિક લોકો પણ સ્ફબ્ધ રહી ગયા હતા.

દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આગની તીવ્રતા અને નુકસાન એટલું ભારે હતું કે વિમાનમાં સવાર કોઈને બચાવી શકાયું નહોતું. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પણ પુષ્ટિ કરી છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં અજિત પવાર હાજર હતા. જોકે, દુર્ઘટનાના ચોક્કસ કારણો અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
 


અજિત પવારના નિધનના સમાચાર મળતાં જ મહારાષ્ટ્રના રાજકારણમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પવાર પરિવાર માટે આ ઘટના અસહ્ય આઘાતરૂપ સાબિત થઈ છે. શરદ પવાર, સુનેત્રા પવાર સહિત પરિવારના અન્ય સભ્યો બારામતી તરફ રવાના થઈ ગયા છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, મંત્રીઓ અને સામાજિક આગેવાનો શોક વ્યક્ત કરી રહ્યા છે અને અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

વિશેષ વાત એ છે કે દુર્ઘટનાથી થોડા જ મિનિટો પહેલા અજિત પવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. બુધવાર, 28 જાન્યુઆરીના રોજ સવારે 8:57 વાગ્યે તેમણે X (પૂર્વે ટ્વિટર) પર મહાન સ્વાતંત્ર્ય સેનાની ‘પંજાબ કેસરી’ લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “મહાન સ્વાતંત્ર્ય સેનાની, સ્વરાજ્યના પ્રચારક લાલા લજપત રાયજીને તેમની જન્મજયંતિ પર નમ્ર વંદન. તેમની દેશભક્તિ હંમેશા આપણને પ્રેરણા આપતી રહેશે.” આ પોસ્ટ હવે લોકો માટે ભાવુક સ્મૃતિ બની ગઈ છે.

અજિત પવારની રાજકીય કારકિર્દી મહારાષ્ટ્રના રાજકારણમાં એક રેકોર્ડબ્રેક અધ્યાય તરીકે ઓળખાય છે. 1991માં તેઓ બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 1995થી સતત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા હતા. તેઓ છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા, જે એક અનોખો રેકોર્ડ છે. સિંચાઈ, જળ સંસાધન, ગ્રામ વિકાસ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી તેમણે સફળતાપૂર્વક સંભાળી હતી.

તેઓ કડક પ્રશાસક, ઝડપી નિર્ણયક્ષમતા અને મજબૂત રાજકીય પકડ માટે જાણીતા હતા. સમર્થકો માટે તેઓ વિકાસના પ્રતીક હતા, તો વિરોધીઓ માટે પણ એક શક્તિશાળી નેતા તરીકે માન્યતા ધરાવતા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં તેમની અસર અને હાજરીને અવગણવી ક્યારેય શક્ય રહી નથી.

આકસ્મિક રીતે થયેલ આ દુર્ઘટનાએ માત્ર એક નેતાનો નહીં, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત લાવ્યો છે. રાજ્ય અને દેશ આજે એક અનુભવી નેતાની ખોટ અનુભવી રહ્યો છે. અજિત પવારની યાદો, તેમની રાજકીય કારકિર્દી અને વિકાસલક્ષી કાર્ય હંમેશા સ્મરણમાં રહેશે.
 

You may also like

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

સસ્તા ક્રૂડની આયાત પર સંકટ, રશિયાના ઓઈલ પર અમેરિકાના કડક વલણથી ભારતની મુશ્કેલીઓ વધી

સસ્તા ક્રૂડની આયાત પર સંકટ, રશિયાના ઓઈલ પર અમેરિકાના કડક વલણથી ભારતની મુશ્કેલીઓ વધી