સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ, જયદેવ ઉનડકટે ખેલાડીઓને આપ્યું માર્ગદર્શન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ, જયદેવ ઉનડકટે ખેલાડીઓને આપ્યું માર્ગદર્શન

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગુજરાતમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓની સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો છે. 8 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ ક્રિકેટર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓ, કોચ, યુનિવર્સિટી અધિકારીઓ તેમજ રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉદ્ઘાટન સમારંભ દરમિયાન જયદેવ ઉનડકટે પોતાના ક્રિકેટ કરિયરના સંસ્મરણો તાજા કરતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ ગ્રાઉન્ડનો તેમના જીવનમાં વિશેષ મહત્વ છે. તેમણે કહ્યું કે આ જ મેદાન પર ચેતેશ્વર પુજારા અને કે. એલ. રાહુલ સાથે રમેલી એક ઐતિહાસિક રણજી ટ્રોફીની મેચ આજે પણ યાદગાર છે. તે સમયે સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ વખત રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, જે તેમના કરિયરની મહત્વની ક્ષણ હતી.

જયદેવ ઉનડકટે ખેલાડીઓને સંબોધતા કહ્યું કે રમત અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. સ્પોર્ટ્સ માત્ર રમત નથી, પરંતુ જીવનમાં ફોકસ, શિસ્ત અને સંઘર્ષ શીખવે છે. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે દરેક ખેલાડીએ પોતાના કરિયર માટે પ્લાન A સાથે પ્લાન B પણ તૈયાર રાખવો જોઈએ. તેમણે પોતાની વ્યક્તિગત વાત શેર કરતાં કહ્યું કે તેમણે ધોરણ 10 પછી અભ્યાસ પૂર્ણ કર્યો નથી, પરંતુ આજના સમયમાં શિક્ષણનું મહત્વ ઘણું વધ્યું છે. જો કોઈ ખેલાડી ક્રિકેટમાં આગળ ન વધી શકે તો અભ્યાસ દ્વારા સફળતા મેળવી શકે તે જરૂરી છે.
 


આ તકે યોજાયેલી ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 154 યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાજસ્થાનની યુનિવર્સિટી ઓફ કોટા પ્રથમ ક્રમે રહી હતી, જ્યારે નાગપુરની આર.ટી.એમ. યુનિવર્સિટીએ બીજો ક્રમ મેળવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ત્રીજું સ્થાન મેળવી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ સ્પર્ધા માટે ક્વોલિફાય કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ચોથા ક્રમે રહી હતી.

વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમના પ્રદર્શનની ખાસ નોંધ લેવામાં આવી હતી. ટીમના કેપ્ટન આદિત્ય રાઠોડે શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં કુલ 26 વિકેટ ઝડપી ‘મેન ઓફ ધ સિરીઝ’નો ખિતાબ મેળવ્યો હતો. જ્યારે બેટ્સમેન રામદેવ આચાર્યએ બે સદી સાથે કુલ 411 રન ફટકારીને ટુર્નામેન્ટમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું હતું.

હવે 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રણજી, અન્ડર-19 અને અન્ડર-23 લેવલના અનુભવી ખેલાડીઓ રમતા જોવા મળશે. આ સ્પર્ધા દરમિયાન નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરના ખેલાડીઓની ફટકાબાજી રાજકોટના કુલ 9 અલગ-અલગ ક્રિકેટ મેદાનો પર યોજાશે.

આ મેદાનોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેદાન, રુદ્રાક્ષ-1 મુંજકા, આર.કે. ક્રિકેટ ગ્રાઉન્ડ વાગુદડ, ઝાલાવાડ ગ્રાઉન્ડ ગૌરીદડ, ગ્રીનફિલ્ડ જામનગર રોડ, રુદ્રાક્ષ-2 અટલ સરોવર, ગ્રીન ફાર્મ આજીડેમ ચોકડી, અનિલ પેવેલિયન લીમડા ચોક અને રતનપર ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં કેપ્ટન આદિત્ય રાઠોડ, વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય, પુષ્પરાજસિંહ જાડેજા, કેરવ રાવલ, નીલ પંડ્યા, અભિષેક નિમાવત, અક્ષત મકવાણા, દેવાંશ ગેરેયા, અરબાઝ બુટા, કશ્યપ સુવા અને લક્કીરાજસિંહ વાઘેલા જેવા પ્રતિભાશાળી ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટ રાજકોટ માટે માત્ર રમતોત્સવ નથી, પરંતુ યુવા ખેલાડીઓ માટે પોતાનો પ્રતિભા પ્રદર્શિત કરવાની અને ભવિષ્યમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની મોટી તક બની છે.
 

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો