સૌરાષ્ટ્રમાં દુષ્કાળ વચ્ચે રાજકોટ આશ્રમે ખેડૂતો ભીની આંખે ૬૦૦૦ બળદો મૂકી ગયા Oct 24, 2026 રાજકોટ,દેવગામના સદભાવના બળદ આશ્રમમાં બળદ મૂકવા ખેડૂતોની કતારો રાજકોટના કાલાવડ રોડ પર આવેલા દેવગામ નજીકના સદભાવના બળદ આશ્રમમાં ખેડૂતો પોતાની આંખોમાં આંસુ અને ભારે હૈયે પોતાના વ્હાલસોયા ૬૦૦૦ જેટલા બળદોને છોડી જવા મજબૂર બન્યા છે. જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ જવાના કારણે અને રવિ સીઝનમાં પાક લેવાની કોઈ આશા ન રહેતા અન્નદાતાઓની હાલત અત્યંત કફોડી બની છે.ઘાસચારા અને પીવાના પાણીની ગંભીર તંગીના પગલે માત્ર ૨૦ દિવસના ટૂંકા સમયગાળામાં જ આશરે ૬૦૦૦ બળદો આશ્રમમાં આવી પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં ૧૫૦૦ થી ૨૦૦૦ બળદો સાચવતા આ આશ્રમમાં અચાનક બળદોનો પ્રવાહ વધતા દરરોજ અંદાજિત રૂ. ૧૨ લાખનો ખર્ચ થઈ રહ્યો છે, જ્યારે આગામી ઉનાળા સુધીમાં આ સંખ્યા વધીને ૧ લાખ સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજીવિકા સમાન અને લાખો રૂપિયાની કિંમતના મૂગા પશુઓને વિરહની વેદના સાથે છોડીને જતા સમયે ખેડૂતો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, જે સમગ્ર પ્રદેશની ગંભીર આર્થિક અને કુદરતી વિપત્તિની સાક્ષી પૂરે છે. Previous Post Next Post