બનાસકાંઠાના અમીરગઢમાં બુટલેગરો દ્વારા BSF જવાન પર ધારિયાંથી જીવલેણ હુમલો Oct 24, 2026 બનાસકાંઠા,દાંતીવાડા કેમ્પના જવાન પર ઘાત લગાવીને કરાયેલા ક્રૂર હુમલાથી સનસનાટીબનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વિસ્તારમાં રહેતા અને દાંતીવાડા ખાતે આવેલા BSF કેમ્પમાં ફરજ બજાવતા જવાન ભરત દેસાઈ પર સ્થાનિક બુટલેગરો અને તેમના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. બુટલેગરોએ અગાઉથી જ ઘાત લગાવીને BSF જવાન ભરત દેસાઈ પર ધારિયાં અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે નિર્દયતાથી પ્રહાર કર્યા હતા. આ અચાનક થયેલા હુમલાને કારણે જવાન ગંભીર રીતે ઘાયલ થઈને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી ગયા હતા, જ્યારે હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ બનાવની જાણ થતા જ પરિવારજનો અને સ્થાનિક લોકોએ ઘાયલ જવાનને ત્વરિત સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે.ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા સુરક્ષા દળના જવાન પર કરવામાં આવેલા આ ઘાતકી હુમલાના કારણે સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. Previous Post Next Post