રાજકોટમાં એક વર્ષમાં એક કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 27 કેસો, 38 આરોપીઓ, યુવા-શ્રમિક વર્ગમાં ચિંતાજનક પ્રવૃત્તિ વધી

રાજકોટમાં એક વર્ષમાં એક કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 27 કેસો, 38 આરોપીઓ, યુવા-શ્રમિક વર્ગમાં ચિંતાજનક પ્રવૃત્તિ વધી

ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે રાજકોટ શહેર પણ આ ગંભીર સમસ્યાથી અછૂતું નથી રહ્યું. માત્ર વર્ષ 2025 દરમિયાન રાજકોટ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ આંકડા શહેરમાં ડ્રગ્સના વ્યાપ અને તેની ગંભીરતાને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. ખાસ કરીને યુવાવર્ગમાં વધતું જતું એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સનું ચલણ અને શ્રમિક વર્ગમાં ગાંજાનું પ્રચલન વાલીઓ તેમજ સમાજ માટે મોટી ચેતવણીરૂપ છે.

એસઓજી દ્વારા મળેલી વિગતો મુજબ વર્ષ 2025માં કુલ 27 ડ્રગ્સ કેસ નોંધાયા હતા, જેમાં 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે સિન્થેટિક ડ્રગ્સ એવા મેફેડ્રોન (એમ.ડી.)નું ચલણ શહેરના યુવાનોમાં ઝડપથી વધી રહ્યું છે. વર્ષ દરમિયાન એસઓજીએ 748.55 ગ્રામ મેફેડ્રોન કબજે કર્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ. 62.30 લાખ થાય છે. આ સંદર્ભે કુલ 12 કેસ નોંધાયા હતા અને 17 આરોપીઓ ઝડપાયા હતા.

ખાસ ઉલ્લેખનીય ઘટના તરીકે રેલનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી ખુલ્લેઆમ વેચાતું એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું હતું, જ્યાંથી 300 ગ્રામ જેટલો રેકોર્ડબ્રેક જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ડ્રગ્સ પેડલરો હવે વધુ બેફિકર બનીને કાર્ય કરી રહ્યા હતા, જો કે પોલીસ કાર્યવાહીથી તેમને મોટો ઝટકો લાગ્યો છે.

યુવા અને મધ્યમ વર્ગમાં જ્યાં એમ.ડી. ડ્રગ્સ લોકપ્રિય બનતું જાય છે, ત્યાં શ્રમિક વર્ગમાં ગાંજાનું ચલણ પણ ચિંતાજનક રીતે વધ્યું છે. 2025 દરમિયાન એસઓજીએ કુલ 114.19 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો, જેની કિંમત રૂ. 13.57 લાખ થાય છે. ગાંજાના કુલ 13 કેસ નોંધાયા હતા અને તેમાં 18 આરોપીઓ ઝડપાયા હતા. આ ઉપરાંત હેરોઇનના પણ બે કેસ નોંધાયા હતા, જેમાં 436.47 ગ્રામ હેરોઇન સાથે રૂ. 21.82 લાખનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

એસઓજીના પી.આઇ. સંજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2025 દરમિયાન ડ્રગ્સ પેડલરો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રગ્સ સિન્ડીકેટને તોડી પાડવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી, જેના પરિણામે હાલ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાવાનો પ્રવાહ ઘટ્યો છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાંજાના વાવેતર સામે પણ મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા.

એમ.ડી. ડ્રગ્સ અત્યંત હાનિકારક હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. 6થી 7 કેમિકલના મિશ્રણથી બનતું આ સિન્થેટિક ડ્રગ્સ મગજ અને અન્ય અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જો કેમિકલની માત્રામાં થોડી પણ ગડબડ થાય તો વપરાશકર્તાના જીવન માટે જોખમ ઊભું થાય છે. કૂકર કે બોઇલરમાં બે દિવસમાં તૈયાર થતું આ ડ્રગ્સ યુવાનોને ઝડપથી પોતાની ઝપટમાં લઈ લે છે.

પોલીસના જણાવ્યા મુજબ મોટાભાગના જાણીતા પેડલરો હાલ જેલહવાલે છે. ખાસ કરીને જંગલેશ્વર વિસ્તાર, જે ડ્રગ્સ માટે અવારનવાર ચર્ચામાં રહેતો હતો, ત્યાંના ઘણા શખ્સો ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓમાં જેલમાં છે. અગાઉ જ્યાં હાઉસિંગ કોલોનીઓમાં પડીકીઓનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું, ત્યાં હવે પોલીસ નિયમિત તપાસ રાખી રહી છે.

ડ્રગ્સ સામે જનજાગૃતિ ફેલાવવા માટે પણ એસઓજીએ નોંધપાત્ર કામગીરી કરી છે. વર્ષ 2025માં કુલ 29 અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં યુવાનો અને નાગરિકોને નશાની આદતોના દુષ્પરિણામો વિશે સમજાવવામાં આવ્યું હતું.

પોલીસ ભલે દાવો કરે કે હાલ શહેરમાં ડ્રગ્સની અછત છે, પરંતુ ડ્રગ્સમાંથી થતી ભારે કમાણી નવા પેડલરોને આ કાળા ધંધામાં ખેંચી રહી છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. જો એક વર્ષમાં જ એક કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે, તો કેટલું ડ્રગ્સ સમાજમાં વપરાઈ ગયું હશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

આ સ્થિતિમાં માત્ર સફળ દરોડા પૂરતા નથી, પરંતુ સતત, કડક અને વ્યાપક કાર્યવાહી સાથે સમાજ, પરિવાર અને શૈક્ષણિક સંસ્થાઓની સંયુક્ત જવાબદારી જરૂરી છે. ત્યારે જ રાજકોટને નશાના આ કાળા કારોબારથી મુક્ત રાખવાનો સંકલ્પ સાકાર થઈ શકે.
 

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો