વિદેશીઓ ભારતની બાબતમાં દખલ ન કરી શકે: હાઈકોર્ટ લાલઘૂમ Oct 30, 2026 અમદાવાદ,યુકેના નાગરિકની જાહેરહિતની અરજી સામે હાઈકોર્ટે ઉઠાવ્યા ગંભીર સવાલોયુનાઇટેડ કિંગડમના નાગરિક અને ઓસીઆઈ (OCI) કાર્ડ ધારક દ્વારા ભારતની સામાજિક સ્થિતિ અને કાયદા વ્યવસ્થા સામે ગંભીર આક્ષેપો કરતી જાહેરહિતની અરજી દખલ પર ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા સ્પષ્ટ કર્યું હતું કે વિદેશી નાગરિકો ભારત દેશની આંતરિક બાબતોમાં દખલગીરી કરી શકે નહીં અને ઓસીઆઈ કાર્ડ હોલ્ડરને ભારતમાં પીઆઈએલ કરવાનો અધિકાર છે કે કેમ તે અંગે વેધક સવાલો ઉઠાવ્યા હતા.ગુજરાતમાં જન્મેલા અને હાલ વડોદરાના કરજણ ખાતે રહેતા યુકેના બ્રિટિશ નાગરિકે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે ભારતમાં મહિલાઓ, બાળકો અને છેવાડાના લોકો ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તથા અહીં કાયદા વગરના સમાજ જેવું વાતાવરણ બની ગયું છે. અરજદારે આ પીઆઈએલમાં ગુજરાત રાજ્ય, પોલીસ કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, હ્યુમન રાઇટ્સ કમિશન અને ચાઇલ્ડ રાઇટ્સ કમિશન સહિતની સંસ્થાઓને પક્ષકાર તરીકે જોડ્યા હતા.અરજદારે સ્વીકાર્યું હતું કે યુકેમાં પણ તેમની સાથે જાતિવાદનો ભેદભાવ થયો હતો અને લોકો તેમને પરત ભારત જવા કહેતા હતા. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે ઓસીઆઈ કાર્ડધારકના કાયદાકીય હકો અને અરજીની ગ્રાહ્યતા અંગે ગુજરાત સરકારને આગામી ૭મી ડિસેમ્બર સુધીમાં વિગતવાર સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો છે. Previous Post Next Post