યાર્ડમાં રૂ. ૫૦૦ કરોડનું જીએસટી કૌભાંડ ઉજાગર કરનાર ડીસાના વેપારીનું લાયસન્સ સસ્પેન્ડ Oct 24, 2026 ડીસા,માર્કેટયાર્ડ દ્વારા નોટિસ ફટકારી ખુલાસો માગી, ખરીદી બંધ કરાવીડીસા માર્કેટયાર્ડમાં મગફળી અને રાયડાના મોટાપાયે થતા ખરીદ-વેચાણ વચ્ચે લાંબા સમયથી કરોડો રૂપિયાની જીએસટી ચોરી આચરવામાં આવતી હોવાનો દાવો કરતો એક વિડિયો સ્થાનિક વેપારી દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. આ વેપારીએ વીડિયોના માધ્યમથી આશરે રૂ. ૫૦૦ કરોડથી વધુના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેના કારણે રાજ્યના વેપારી વર્તુળો અને માર્કેટયાર્ડમાં ભારે દોડધામ મચી ગઈ હતી.આ ગંભીર આક્ષેપો બાદ માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા કડક પગલાં લેતા કૌભાંડ બહાર લાવનાર તે વેપારીનું લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને તેને સત્તાવાર નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. એટલું જ નહીં, વેપારીની ધંધાકીય ખરીદીની કામગીરી પણ અટકાવી દેવામાં આવી છે. આ કાર્યવાહીના કારણે કૌભાંડ ઉજાગર કરનાર વેપારી ભારે મૂંઝવણમાં મુકાઈ ગયો છે, જ્યારે બીજી તરફ માર્કેટયાર્ડના અન્ય વેપારીઓ દ્વારા આ કૌભાંડને દબાવવા માટે નકલી બિલો બનાવવાની ગતિવિધિઓ શરૂ થઈ હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે, જેને લઈને હવે જીએસટી વિભાગ આ મામલે ક્યારે તપાસ શરુ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે. Previous Post Next Post