રાજકોટની આંગણવાડીઓમાં ભોજન સપ્લાયર પારસ એગ્રો પર મનપાના દરોડા Oct 24, 2026 રાજકોટ,૮ સેમ્પલ લેવાયા, મેનેજરે આ કાર્યવાહીને ગણાવી બદનામ કરવાનું ષડયંત્રરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ અભિયાન દરમિયાન કુલ ૪૭ ખાદ્ય પ્રતિષ્ઠાનો અને આઉટલેટ્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં વાસી અને અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આ તપાસ દરમિયાન શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોને ભોજન પૂરું પાડતી જાણીતી કેટરિંગ એજન્સી 'પારસ એગ્રો' પર પણ ફૂડ વિભાગની ટીમ ત્રાટકી હતી. મનપાની ટીમ દ્વારા પારસ એગ્રોમાંથી ગુણવત્તા ચકાસવા માટે જુદા જુદા ૮ જેટલા ખાદ્ય નમૂના લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પારસ એગ્રોના મેનેજરે નિવેદન આપતા જણાવ્યું છે કે તેમની સંસ્થા સામે થઈ રહેલી આ કાર્યવાહી પાયાવિહોણી છે અને તેમને તથા તેમની સંસ્થાને જાણી જોઈને બદનામ કરવા માટેનું એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ મામલે તંત્ર દ્વારા આગામી દિવસોમાં લેબોરેટરીના રિપોર્ટના આધારે વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે. Previous Post Next Post