સાળંગપુર હનુમાનજી સૌના છે.. કોપી રાઇટ માત્ર મૂર્તિના કલાત્મક સ્વરૂપ પૂરતો મર્યાદિત છે.. Jun 15, 2026 ભગવાન પર કોઈ રોક નથી, ભક્તો નિર્ભયપણે પૂજા કરી શકે: મંદિર ટ્રસ્ટસાળંગપુર ખાતેના સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમા અને અન્ય સર્જનાત્મક કૃતિઓના કૉપીરાઈટ નોંધણી કરાવવાના નિર્ણય બાદ રાજ્યભરમાં ઉભા થયેલા વિવાદ વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. મંદિર પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ કાયદાકીય પ્રક્રિયાનો હેતુ ભગવાન કે ભક્તિ પર માલિકી હક્ક સ્થાપિત કરવાનો નથી, પરંતુ માત્ર મંદિરની આગવી ઓળખને સુરક્ષિત રાખવાનો છે.મંદિર ટ્રસ્ટના સત્તાવાર નિવેદન મુજબ, કૉપીરાઈટ અને ટ્રેડમાર્કની આ નોંધણીનો ઉદ્દેશ્ય માત્ર ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાતી ૫૪ ફૂટની પ્રતિમા અને તેના વિશિષ્ટ વાઘા-શણગાર જેવી કલાત્મક કૃતિઓને સુરક્ષિત કરવાનો છે. ટ્રસ્ટે આકરા શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણયથી સામાન્ય ભક્તોની પૂજા-અર્ચના કે આસ્થા પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. ભગવાન હનુમાનજી સર્વવ્યાપી છે અને તેઓ સમગ્ર સનાતન હિન્દુ સમાજની આસ્થાના કેન્દ્ર છે. આ પગલું માત્ર વ્યાવસાયિક દુરુપયોગ અને મંદિરના નામનો ખોટી રીતે થતા ઉપયોગને રોકવા માટે લેવામાં આવ્યું છે.ટ્રસ્ટના પદાધિકારીઓએ ઉમેર્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં હનુમાનજીના નામ અને પ્રતિમાનો ઉપયોગ કરીને ઘણીવાર સોશિયલ મીડિયા કે અન્ય પ્લેટફોર્મ પર ખોટી માહિતી ફેલાવવી અથવા આર્થિક છેતરપિંડી થવાના કિસ્સાઓ સામે આવે છે. મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય આવા અનધિકૃત વ્યવસાયિક ઉપયોગોને અટકાવવા માટેનું એક 'કાનૂની સુરક્ષા કવચ' છે. મંદિર વહીવટી તંત્રના મતે, આ નોંધણી કોઈ ધાર્મિક પરંપરામાં ફેરફાર લાવવા માટે નહીં, પરંતુ સંસ્થાની મિલકત અને કલાત્મક વારસાના રક્ષણ માટે કરવામાં આવી છે.હાલમાં આ મુદ્દે સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ વચ્ચે, મંદિર ટ્રસ્ટની આ સ્પષ્ટતાને એક મધ્યમ માર્ગ તરીકે જોવામાં આવી રહી છે. ટ્રસ્ટે પુનરોચ્ચાર કર્યો છે કે, સાળંગપુરધામ હંમેશા ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહેશે અને મંદિરની કલાત્મક સંપત્તિનું રક્ષણ કરવું એ તેમની વહીવટી ફરજ છે. Previous Post Next Post