અમદાવાદમાં 3 માસ પહેલા બનેલી ઘટના ઓનર કિલિંગ હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદમાં 3 માસ પહેલા બનેલી ઘટના ઓનર કિલિંગ હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદ,

એક યુવક સાથે સોફિયાનો વીડિયો વાયરલ થતાં આબરૂ જવાની બીકે પરિવારે જ પતાવી દીધી

અમદાવાદમાં અકસ્માતની એક ઘટના પાછળ ચોંકાવનારો ખુલાસો થયો છે. અકસ્માતમાં મોતને ભેટેલી 22 વર્ષીય યુવતી સોફિયાનું ખરેખર ઓનર કિલિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમાજમાં આબરૂ બચાવવાના નામે ખુદ સગા ભાઈ મોહંમદ હાબીલ અને પિતા મોહંમદ ફારૂક (રહે. ફતેવાડી, સરખેજ) દ્વારા જ યુવતીની હત્યા કરીને તેને અકસ્માતનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

મૃતક સોફિયાના કેસમાં પોલીસ તપાસની વિગતો અનુસાર, ત્રણ મહિના અગાઉ તેનો કોઈ યુવક સાથેનો વીડિયો વાઈરલ થયો હતો. પરિવારના ઠપકા છતાં તે અન્ય યુવકો સાથે સંપર્કમાં રહેતી હોવાથી પિતા મોહંમદ ફારૂક અને ભાઈ મોહંમદ હાબીલે તેની હત્યાનું પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. ગત 12 ઓગસ્ટની રાત્રે બંને આરોપીઓ સોફિયાને બાઈક પર બેસાડી સરખેજના ઘેલજીપુરા ગામ પાસેના કાચા રસ્તે અવાવરું જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં ભાઈ હાબીલે પોતાની પાસે સંતાડી રાખેલી લોખંડની હથોડી કાઢી બહેનના માથાના ભાગે ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને પિતાએ આ ઘાતકી ગુનામાં મદદગારી કરી હતી. હત્યા બાદ પોલીસને ગુમરાહ કરવા આરોપી ભાઈએ 'એમ' ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધાવી હતી કે, કોઈ અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને ટક્કર મારતા બહેનને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી સોલા સિવિલમાં મોત નીપજ્યું છે. જોકે, તપાસમાં આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો ભાંડો ફૂટી જતા પોલીસે ખોટી હકીકત ઉપજાવી કાઢી ગેરમાર્ગે દોરવા બદલ પિતા-પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોફિયાનો અકસ્માત થયો ન હતો પણ પિતા અને ભાઈએ હથોડીના ઘા ઝીંકી હત્યા કરી હતી

સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, ગત 12/8/26ના રોજ અમને પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનથી અકસ્માત થયાની અને તેમાં પાછળ બેઠેલા બહેનનું હોસ્પિટલમાં મોત થયાની વિગત મળી હતી, જેના આધારે અમે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ બનાવમાં અજાણ્યા વાહનની કોઈ વિગતો ન હોવાથી અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં અદ્વૈત બંગલોઝના ફૂટેજમાં ઘટના સમયે કોઈ અકસ્માત થયેલો જણાયો ન હતો, પરંતુ તેના 30 મિનિટ પછી ત્યાં એક બાઈક પર 3 લોકો આવે છે અને બાઈક પડી જવાનો અવાજ આવે છે. આ શંકાસ્પદ વિસંગતતાના કારણે અમે ટેકનિકલ ટીમને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કામે લગાડી હતી. અમે જ્યારે ફરિયાદી મોહમ્મદ હાબીલની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે તેની બહેન સોફિયા બોપલની હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને તેને ઘરે મૂકવા જતી વખતે આ અકસ્માત થયો હતો. પરંતુ તેણે બતાવેલો રૂટ ખોટો હતો અને કેમેરા ફૂટેજમાં સમય તેમજ રૂટની ઘણી વિસંગતતાઓ સામે આવતાં અમે તેની કડક રીતે પૂછપરછ કરી હતી, જેમાં આખરે તેણે ગુનો કબૂલી લીધો હતો. 3 મહિના પહેલાં સોફિયાનો એક વીડિયો વાઈરલ થયો હતો અને તેના ચારિત્ર્ય પર શંકા હોવાથી તેને ઘરે ઠપકો આપ્યો હતો, પણ તે ન સમજતાં તેના ભાઈ મોહમ્મદ હાબીલ અને પિતા મોહમ્મદ ફારૂકે આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

આ બંને બાપ-દીકરાએ કાવતરું રચીને પોતાની ફેબ્રિકેશન અને વેલ્ડિંગની દુકાનેથી હથોડી લઈ બાઈક પર સોફિયાને લેવા ગયા હતા. રસ્તામાં 3 વખત ડ્રાઈવર બદલીને તેઓ સુમસામ વિસ્તાર એવા ઘેલજીપુરાના અવાવરુ ખાંચામાં ગયા અને ત્યાં સોફિયાના માથામાં હથોડી મારીને તેની હત્યા કરી નાખી. ત્યારબાદ આ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા માટે તેઓ સોફિયાના મૃતદેહને અદ્વૈત બંગલોઝ સામે લાવ્યા, પોતાની બાઈક પછાડીને તેમજ પોતાના હાથ પર ઘા કરીને અકસ્માતનું નાટક રચ્યું. તેઓ મૂળ યુપીના બુલંદશહરના છે અને સરખેજના ફતેવાડીમાં રહે છે. પિતાને 5 દીકરીઓ અને ભાઈને 4 દીકરીઓ હોવાથી સમાજમાં બદનામી અને અન્ય દીકરીઓની સગાઈ ન થવાના ડરથી આ ઓનર કિલિંગ કર્યું હતું.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ