મંધાના બ્રિગેડની વિજયી હેટ્રિક: વનડે સીરિઝમાં ઝિમ્બાબ્વે પર ‘ક્લીન સ્વીપ’ Oct 29, 2026 વડોદરા,વૈષ્ણવી શર્માની 5 વિકેટ બાદ પ્રતિકા-શેફાલીની તોફાની અર્ધસદીઓથી 8 વિકેટે કચડ્યુંનવી કેપ્ટન સ્મૃતિ મંધાનાના નેતૃત્વ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિજયી પ્રદર્શન યથાવત રાખતાં ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચોની એકદિવસીય સીરિઝમાં શાનદાર 'ક્લીન સ્વીપ' હાંસલ કર્યું છે.વડોદરા ખાતે રમાયેલી ત્રીજી અને આખરી વનડે મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 8 વિકેટે કરારી હાર આપી સીરિઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે.ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વે ટીમ સ્પિનર વૈષ્ણવી શર્માની ધારદાર બોલિંગ સામે ટકી શકી નહોતી. 20 વર્ષીય ડાબોડી સ્પિનર વૈષ્ણવી શર્માએ 10 ઓવરમાં માત્ર 39 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ઝિમ્બાબ્વેની ઓપનર મોડેસ્ટર મુપાચિકવાએ સર્વાધિક 37 રન બનાવ્યા હતા, જ્યારે ટીમના સાત બેટ્સમેનો બેવડા આંકડા સુધી પણ પહોંચી શક્યા નહોતા. સમગ્ર ઝિમ્બાબ્વે ટીમ 39.5 ઓવરમાં 131 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ક્રાંતિ ગૌડ અને સાયલી સતઘરેએ પણ 2-2 વિકેટ મેળવી હતી.જીત માટેના 132 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ઓપનર યાસ્તિકા ભાટીયા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ પ્રતિકા રાવલ અને હરલીન દેઓલે (19 રન) બીજા વિકેટ માટે 59 રનની ભાગીદારી નોંધાવી હતી. હરલીન આઉટ થયા બાદ શેફાલી વર્માએ તોફાની બેટિંગ કરી હતી. પ્રતિકા અને શેફાલીએ ત્રીજી વિકેટ માટે અણનમ 74 રનની ભાગીદારી કરીને ભારતને માત્ર 17 ઓવરમાં 2 વિકેટના ભોગે આસાન વિજય અપાવ્યો હતો. પ્રતિકા રાવલે 56 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 59 રન તેમજ શેફાલી વર્માએ માત્ર 26 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી વિસ્ફોટક અણનમ 51 રન બનાવ્યા હતા. 5 વિકેટ ઝડપનાર વૈષ્ણવી શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવી હતી. Previous Post Next Post