રાજકોટમાં CGSTના દરોડા દરમિયાન અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે તીખી બોલાચાલી Oct 17, 2026 રાજકોટ,ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસની 400થી વધુ દુકાનોના શટર ધડાધડ પડી ગયારાજકોટ શહેરના સાંગણવા ચોકમાં સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલી દરોડાની કાર્યવાહીને પગલે સમગ્ર બજારમાં ભારે અફરાતફરી અને રોષનો માહોલ સર્જાયો છે. ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસના શો-રૂમ તથા દુકાનો પર કરચોરીની શંકાના આધારે હાથ ધરાયેલી આ તપાસ દરમિયાન અધિકારીઓ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે તીવ્ર ઘર્ષણ અને તૂ-તૂ મેં-મેંના દ્રશ્યો સર્જાયા હતા.દસ્તાવેજો તથા સ્ટોકની ચકાસણી કડક રીતે શરૂ કરવામાં આવતાં વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. દરોડાની દહેશતથી શહેરના પેલેસ રોડ, સાંગણવા ચોક, યાજ્ઞિક રોડ અને ધર્મેન્દ્ર રોડ સહિતના મુખ્ય માર્કેટ વિસ્તારોમાં ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસના 400થી વધુ વેપારીઓએ પોતાની દુકાનોના શટર ધડાધડ પાડી દીધા હતા.વેપારી મંડળના સભ્યોના જણાવ્યા મુજબ, તહેવારો અને ખરીદીની મોસમ વચ્ચે આ પ્રકારે અચાનક કરાતી તપાસથી નિર્દોષ વેપારીઓ હેરાન થાય છે. બીજી તરફ CGST વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટો ટેક્સ ચોરી થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે આ ચોક્કસ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને શાંતિ જાળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. Previous Post Next Post