સરખેજ-ધોળકા રોડ પર ભંગારના ગોડાઉનમાં ક્લોરીન ગેસ લીક થતાં અફરાતફરી Oct 17, 2026 અમદાવાદ,ગેસ ગળતરથી સ્થાનિકોને શ્વાસમાં તકલીફ અને આંખોમાં બળતરા, 2 લોકો હોસ્પિટલમાં ભરતીઅમદાવાદ શહેરના સરખેજ-ધોળકા રોડ પર આવેલી તલાવડી નજીક એક ભંગારના ગોડાઉનમાં રાખેલા ક્લોરીન ગેસના બાટલામાંથી અચાનક ગેસ ગળતર શરૂ થતાં ઝેરી ગેસ જોતજોતામાં આસપાસના રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં પ્રસરી ગયો હતો. ઝેરી ક્લોરીન ગેસ હવામાં ફેલાતાં જ સ્થાનિક રહીશો અને વેપારીઓને આંખોમાં તીવ્ર બળતરા અને અસહ્ય ખાંસી ઉપડી હતી. શ્વાસ લેવામાં ભારે તકલીફ જણાતાં લોકો તાત્કાલિક પોતાના ઘર અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ઘટના દરમિયાન બે લોકોની તબિયત વધુ લથડતાં તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અમદાવાદ ફાયર બ્રિગેડની બે ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ માસ્ક અને જરૂરી સુરક્ષા સાધનોથી સજ્જ થઈ ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો અને સતર્કતાપૂર્વક કામગીરી કરી લીકેજ પર કાબૂ મેળવી મોટી હોનારત ટાળી હતી. ત્યારબાદ સ્થળ પર જોખમી બાટલાને સીલ કરીને તેને સુરક્ષિત રીતે સાબરમતી નદીના ખુલ્લા પટમાં લઈ જઈ કાળજીપૂર્વક ખાલી કરી નિકાલ કરવામાં આવ્યો હતો. Previous Post Next Post