સાત વર્ષ જૂનો બંગાળી કારીગર સોની બજારના વેપારીનું રૂ.68.69 લાખનું સોનું લઈ રફુચક્કર

સાત વર્ષ જૂનો બંગાળી કારીગર સોની બજારના વેપારીનું રૂ.68.69 લાખનું સોનું લઈ રફુચક્કર

રાજકોટ,

સોનુ લઈ ફરાર થયા બાદ વેપારીને ઘણા સમય સુધી વાયદા આપતો રહ્યો, સંપર્ક તૂટતા આખરે ફરિયાદ નોંધાવી

હાથીખાના રોડ પર સોની કામની દુકાન ચલાવતાં વેપારી સાથે આઠ વર્ષથી સંપર્ક ધરાવતો બંગાળી કારીગર સોનામાં પોલીશ કામ કરવાના બહાને રૂા. ૬૮ લાખ ૭૯ હજારનું સોનુ લઈ ગયા બાદ પરત ન આપી વતન ભેગો થઈ જતાં ફરિયાદ નોંધાવાઈ છે. આજથી બે મહિના પહેલા વેપારીએ સોનુ પરત માંગતા તેણે હું મારા વતન બંગાળ જાઉં છું, આવીને આપી દઈશ તેમ કહ્યું હતું. પણ તે આજ સુધી પાછો આવ્યો નહોતો. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પામ સીટી એપાર્ટમેન્ટ વીંગ-સી ફલેટ નં. ૬૦૨માં રહેતાં અને હાથીખાના મેઇન રોડ પર આવેલા બિલ્ડીંગમાં ચોથા માળે દુકાન નં. ૪૦૭માં મોમાઈ ગોલ્ડ નામે સોની કામની દુકાનમાં બેસી સોની કામ કરતાં બિમલભાઈ ભાવેશભાઈ ચલ્લા-સોની (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી સોની બજાર જુમ્મા મસ્જિદ ચોક મહાકાળી નિવાસ ખાતે રહેતાં મુળ પશ્ચીમ બંગાળ હુગલીના એસ.કે. ઓસમાનઅલી મુથુરઅલી શેખ વિરૂધ્ધ રૂા. ૬૮,૭૯,૯૮૦ની કિંમતનું ૪૬૭.૩૯૦ ગ્રામ સોનુ લઈ જઈ પરત ન આપી છેતરપીંડી કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બિમલભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સોનાના દાગીના પોલિશ કરાવવા માટે સોની બજારની સવજીભાઈની શેરીમાં આવેલા જે.પી. ટાવરમાં અલી ગોલ્ડ નામે દુકાન ચલાવતા એસ.કે. ઓસમાન અલી મુથુર અલી શેખ (રહે. મહાકાળી નિવાસ, જુમ્મા મસ્જિદ ચોક પાસે, સોની બજાર, રાજકોટ)ને છેલ્લા સાત-આઠ વર્ષથી ઓળખતા હતા. દર ૧૦૦ ગ્રામ સોનાના દાગીના પોલિશ કરવા બદલ ઓસમાન અલીને ૫૦૦ મિલીગ્રામ સોનું મજૂરી પેટે આપવામાં આવતું હતું.

 લાંબા સમયના આર્થિક અને ધંધાકીય સંબંધોને કારણે તેના પર પૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો. આ વિશ્વાસના આધારે જુલાઈ ૨૦૨૫ દરમિયાન કટકે-કટકે ૨૨ કેરેટની સોનાની બાલીઓ પોલિશ કરવા માટે આપવામાં આવી હતી. જેમાં તા. ૦૬/૦૭/૨૦૨૫ના રોજ ૧૬૪.પ૮૦ ગ્રામ સોનાની બાલી, ૧૧/૦૭/૨૦૨૫ના રોજ ૧૯૦.૨૫૦ ગ્રામ સોનાની બાલી, ૧૮/૦૭/૨૦૨૫ના રોજ ૧૧૨.૫૬૦ ગ્રામ સોનાની બાલી મળી કુલ ૪૬૭.૩૯૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનું, જેની વર્તમાન બજાર કિંમત આશરે રૂા. ૬૮,૭૯,૯૮૦ થાય છે, તે પોલિશ કામ માટે સોંપવામાં આવ્યું હતું.

ધંધામાં સોનાની જરૂરિયાત ઉભી થતાં બિમલભાઈએ અવારનવાર સોનું પરત માગ્યું હતું. પરંતુ ઓસમાન અલી થોડા સમયમાં આપી દઈશ તેવા ખોટા વાયદાઓ કરતો હતો. આશરે બે મહિના પહેલાં જ્યારે ફરીથી સોનું પરત માગવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે હું મારા વતન કોલકત્તા જાવ છું, ત્યાંથી પરત આવ્યા બાદ તમારું સોનું આપી દઈશ. આમ કહીને તે પોતાના વતન પશ્ચિમ બંગાળ જતો રહ્યો હતો.ત્યારબાદ બે મહિનાથી વધુ સમય વીતી જવાથી તે રાજકોટ પરત ફર્યો ન હતો અને તેનો સંપર્ક પણ થઈ શક્યો ન હતો. આખરે વેપારીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં એ-ડિવીઝન પોલીસમાં જાણ કરતા પીઆઈ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીઆઈએસઆઈ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You may also like

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત