આજથી 15 દિવસ સમગ્ર રાજ્યમાં પોલીસકર્મીઓ સામે વિશેષ ટ્રાફિક ડ્રાઈવનો પ્રારંભ Sep 21, 2026 ગાંધીનગર,કાળા કાચ, નંબર વગરના વાહનો અને અનધિકૃત લોગો હટાવાશે; નિયમ તોડનાર સામે ખાતાકીય અને શિસ્તભંગની કાર્યવાહીરાજ્યમાં સામાન્ય જનતા માટે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવતી પોલીસ હવે ખુદ કાયદાના સકંજામાં આવી ગઈ છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી આજથી સમગ્ર ગુજરાતમાં ૧૫ દિવસ માટે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ખાસ ઝૂંબેશ આગામી 5મી ઓક્ટોબર સુધી ચાલશે, જેના અંતર્ગત નિયમો નેવે મૂકનાર ખાખીધારીઓ સામે દાખલારૂપ પગલાં ભરવામાં આવશે.તાજેતરમાં ગાંધીનગર ખાતે આઈજીપી મકરંદ ચૌહાણ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક કાર અટકાવવામાં આવી હતી, જેમાં કાળા કાચ લગાવેલા હતા અને આગળ-પાછળ નંબર પ્લેટ પણ નહોતી. આ વાહનની સઘન તપાસ કરતા તે ગાંધીનગરમાં જ ફરજ બજાવતા એક પોલીસ ઈન્સ્પેક્ટરની હોવાનું બહાર આવ્યું હતું. એક તરફ સામાન્ય પ્રજા ટ્રાફિક નિયમોના ભંગ બદલ મસમોટા દંડ ભોગવી રહી છે, ત્યારે પોલીસ વિભાગના જ જવાબદાર અધિકારીઓ દ્વારા સરેઆમ કાયદાની ધજાગરા ઉડાડતી હોવાની આ ઘટનાએ પોલીસબેડામાં ભારે ચર્ચા જગાવી હતી અને વિભાગની છબી પર ગંભીર સવાલો ખડા થયા હતા.આ ગંભીર બાબતની ઉચ્ચ સ્તરે ગંભીર નોંધ લેવામાં આવ્યા બાદ, આઈજીપી મકરંદ ચૌહાણ દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. આજથી અમલમાં આવેલી આ વિશેષ ડ્રાઈવ હેઠળ પોલીસ સ્ટેશનો, પોલીસ લાઈનો તેમજ તમામ સરકારી પોલીસ કચેરીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસ કર્મચારીઓની કોઈપણ કાર કે બાઇકમાં જો કાળા કાચ, નંબર પ્લેટ વગરના વાહનો કે અન્ય કોઈ અનધિકૃત લોગો કે સિમ્બોલ જોવા મળશે તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.સામાન્ય નાગરિકો પર પોતાનો રોફ જમાવતા અને કાયદાને પોતાના ગજવામાં રાખતા પોલીસકર્મીઓને હવે સીધા દોર પર લાવવા માટે આ અભિયાન અત્યંત મહત્વનું સાબિત થશે. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ડ્રાઈવ દરમિયાન કોઈપણ પોલીસ અધિકારી કે કર્મચારી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેમની સામે સામાન્ય નાગરિકોની જેમ ટ્રાફિક કાયદા હેઠળ દંડકીય કાર્યવાહી તો કરવામાં આવશે જ, સાથે જ ગેરવર્તણૂક અને શિસ્તભંગ બદલ ખાતાકીય તથા ગંભીર શિસ્તભંગના શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે. Previous Post Next Post