કેમ્પ ડેવિડથી અચાનક પરત ફરી ટ્રમ્પે મોટી ઘટનાઓના સંકેત આપ્યા Sep 21, 2026 નવી દિલ્હી,ઈરાન પર અત્યાર સુધીના સૌથી ભીષણ હુમલા કરવા અમેરિકાની તૈયારીપશ્ચિમ એશિયામાં લશ્કરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ક્ષેત્રમાં સ્થિતિ ઝડપથી બગડવાની આશંકા વચ્ચે યુનાઈટેડ સ્ટેટ્સે ત્યાં રહેતા અને મુસાફરી કરતા પોતાના તમામ નાગરિકો માટે અત્યંત કડક સુરક્ષા એડવાઈઝરી જારી કરી છે. યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયા પર કરવામાં આવેલા તાજેતરના મિસાઈલ અને ડ્રોન હુમલાઓ બાદ આ સમગ્ર પ્રદેશમાં મોટા યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે.અમેરિકી દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે પશ્ચિમ એશિયાની સ્થિતિ ક્ષણવારમાં વધુ નાજુક બની શકે છે, તેથી નાગરિકોએ તમામ જરૂરી સાવચેતી રાખવી અનિવાર્ય છે.બીજી તરફ, ઈરાને ગંભીર આરોપ લગાવ્યો છે કે અમેરિકા તેની સામે નવેસરથી વિશાળ બોમ્બમારો અને લશ્કરી અભિયાન શરૂ કરવાની પૂર્વતૈયારીઓ કરી રહ્યું છે. આ અઠવાડિયે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, તે પહેલાં વોશિંગ્ટનની આગામી વ્યૂહરચનાને લઈને સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતા અને ભયનો માહોલ છવાઈ ગયો છે.મધ્ય પૂર્વમાં વધતા લશ્કરી તણાવને ધ્યાનમાં રાખીને ઈરાન સ્થિત યુએસ વર્ચ્યુઅલ દૂતાવાસે સોમવારે એક વિશેષ સુરક્ષા ચેતવણી જારી કરી છે. આ એડવાઈઝરીમાં અમેરિકન નાગરિકોને કોઈપણ સંજોગોમાં ઈરાનનો પ્રવાસ ન કરવા માટે સખત વિનંતી કરવામાં આવી છે. તે સિવાય જે અમેરિકનો હાલમાં ઈરાનમાં હાજર છે, તેમને વિલંબ કર્યા વિના તુરંત દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવી છે.અમેરિકી વિદેશ મંત્રાલયે જારી કરેલા વધારાના એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયામાં સૂરક્ષા પરિસ્થિતિ ગંભીર છે અને અચાનક જ વધુ વણસી શકે છે. આ સંજોગોમાં વિમાની સેવાઓ રદ થવાની, એરસ્પેસ (આકાશ) અચાનક બંધ થવાની અને મુસાફરીમાં મોટા વિક્ષેપો ઊભા થવાની પૂરેપૂરી શક્યતા છે. આથી તમામ અમેરિકી નાગરિકોને સ્થાનિક સમાચાર પર સતત નજર રાખવા અને અત્યંત સતર્ક રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેમ્પ ડેવિડ ખાતેની પોતાની રજાઓ અચાનક જ ટૂંકાવી દીધી હતી અને કોઈ પણ સત્તાવાર ખુલાસા વિના તેઓ વ્હાઈટ હાઉસ પરત ફર્યા હતા. તેમના આ અણધાર્યા પગલાથી વૈશ્વિક સ્તરે લશ્કરી કારવાઈની અટકળો તેજ બની છે. વ્હાઈટ હાઉસ પહોંચ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ખૂબ જ નજીકના ભવિષ્યમાં ક્ષેત્રમાં “કેટલીક અત્યંત મોટી ઘટનાઓ” આકાર લેવા જઈ રહી છે.ઈરાન અંગે પોતાની આક્રમક વ્યૂહરચના સ્પષ્ટ કરતા ટ્રમ્પે ત્રણ વિકલ્પો જણાવ્યા હતા: ઈરાનને સૈન્ય બળથી સંપૂર્ણપણે નાશ કરી દેવું, તેની અર્થવ્યવસ્થાને પ્રતિબંધો દ્વારા આર્થિક રીતે પંગુ બનાવી દેવી, અથવા તો એક નવી અને કડક કૂટનીતિક સમજૂતી પર પહોંચવું. ટ્રમ્પના આ નિવેદન બાદ મધ્ય પૂર્વના દેશોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.અમેરિકનોને તાત્કાલિક ઈરાન છોડવા સૂચના અને એરસ્પેસ બંધ થવાનો ભયઅમેરિકાના આક્રમક વલણ સામે ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’એ પણ વળતી ધમકી આપી છે. IRGC એ સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે જો અમેરિકા ઈરાન પર કોઈ પણ પ્રકારનો લશ્કરી હુમલો કરવાની ભૂલ કરશે, તો મધ્ય પૂર્વમાં આવેલા તમામ અમેરિકી સૈન્ય અડ્ડાઓ, ઠેકાણાઓ અને હિતો પર સતત, વિનાશક અને ભયાનક જવાબી હુમલા કરવામાં આવશે.દરમિયાન, પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભડકાનું મુખ્ય કારણ યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયા પર કરાઈ રહેલા સતત ડ્રોન અને મિસાઈલ હુમલા છે. તેલ સુવિધાઓ પરના આ હુમલા બાદ વૈશ્વિક ઉર્જા બજાર અને પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. Previous Post Next Post