અમદાવાદમાં એ.આઈની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મહિલા ફર્સ્ટ ઓફિસરે જ આપી હતી! Sep 17, 2026 અમદાવાદ,શૌચાલયમાંથી મળી આવેલા 'બોમ્બ' લખેલા ચિઠ્ઠીકાંડ પાછળ વિમાનના જ ક્રૂ મેમ્બરનો હાથએવિએશન ક્ષેત્રને હચમચાવી નાખનારી એક ઘટનામાં, એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા અને ધમકી ફેલાવનાર અન્ય કોઈ બહારની વ્યક્તિ નહીં પરંતુ વિમાનની મહિલા ફર્સ્ટ ઓફિસરજ હોવાનું સપાટી પર આવ્યું છે. અગાઉ આ ઘટનાને લઈને મુસાફરો કે બહારના શખ્સો પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ સુરક્ષા અને તપાસ એજન્સીઓની ઊંડી તપાસ બાદ ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે.એર ઈન્ડિયાની ફ્લાઇટ સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી તરફ રવાના થઈ હતી. તે દરમિયાન વિમાનના શૌચાલયમાંથી અંગ્રેજીમાં "BOMB" લખેલું એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું. આ ધમકીભર્યો સંદેશ ધ્યાનમાં આવતા જ ફ્લાઇટમાં ભારે ગભરાટ અને ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક સાધ્યો હતો અને ફ્લાઇટને તાત્કાલિક અસરથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.વિમાને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરતાની સાથે જ સુરક્ષા તંત્ર સક્રિય થઈ ગયું હતું. CISF, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક એરપોર્ટ પર દોડી આવ્યો હતો. વિમાનને એક આઇસોલેશન બેમાં ખસેડીને તમામ ૩૨ જેટલા મુસાફરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.પ્રારંભિક તબક્કે આ કોઈ બહારના મુસાફર કે અસામાજિક તત્વનું કૃત્ય હોવાનું મનાઈ રહ્યું હતું, પરંતુ જ્યારે એજન્સીઓએ ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી તેમજ હસ્તાક્ષરની ચકાસણી હાથ ધરી, ત્યારે આ આખો પ્લાન વિમાનની જ મહિલા ફર્સ્ટ ઓફિસરે રચ્યો હોવાનું બહાર આવ્યું હતું. સુરક્ષા અને એવિએશન નિયમોના ભંગ બદલ આ મામલે કાયદેસરની કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. Previous Post Next Post